સ્પોર્ટસ

ઍશિઝ ટેસ્ટ રોમાંચક તબક્કામાં, બ્રિટિશ બૅટ્સમૅન બેથેલે બાજી ફેરવી

ઇંગ્લૅન્ડ 119 રનથી આગળ, પણ ઑસ્ટ્રેલિયાને જીતવાની તક

સિડનીઃ બુધવારે અહીં ઑસ્ટ્રેલિયા સામે છેલ્લી ઍશિઝ ટેસ્ટ (Ashes Test)ના ચોથા દિવસે ઇંગ્લૅન્ડના બાવીસ વર્ષીય બૅટ્સમૅન જૅકબ બેથેલે (142 અણનમ, 232 બૉલ, પંદર ફોર) ટેસ્ટ-કારકિર્દીની પ્રથમ સદી ફટકારીને આ મૅચને પાંચમા દિવસમાં લઈ જવાની ફરજ પાડી હતી. ઇંગ્લૅન્ડ સિરીઝમાં 1-3થી પાછળ છે અને આ મૅચ જીતીને પરાજયનો તફાવત ઓછો કરવા બેથેલે (Bethell) તનતોડ મહેનત કરી હતી અને ચોથા દિવસની રમતના અંત સુધી આઉટ નહોતો થયો. તેની સાથે મૅથ્યૂ પોટ્સ (0) દાવમાં હતો.

બેથેલ પહેલી જ ઓવરથી ક્રીઝમાં

બેથેલનો જન્મ વેસ્ટ ઇન્ડિઝના બાર્બેડોઝમાં થયો હતો. તે બુધવારે બીજા દાવમાં પહેલી ઓવરમાં જૅક ક્રૉવ્લી (એક રન)ની વિકેટ પડતાં જ બેથેલ બૅટિંગમાં આવ્યો હતો અને દિવસના અંત સુધી ક્રીઝમાં ટકી રહ્યો હતો. તેણે બેન ડકેટ (42 રન) સાથે બીજી વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી હતી.

આ પણ વાંચો : ઇંગ્લૅન્ડે 5,468 દિવસ રાહ જોઈ અને બે જ દિવસમાં ખેલ ખતમ કરી નાખ્યો…

બેથેલની ત્રણ મોટી ભાગીદારી

ઇંગ્લૅન્ડે દિવસ પૂરો થયો ત્યાં સુધીમાં બીજા દાવમાં આઠ વિકેટે 302 રન કર્યા હતા અને બેન સ્ટૉકસની આ ટીમ 119 રનથી આગળ હતી તેમ છતાં ગુરૂવારના છેલ્લા દિવસે વરસાદનું વિઘ્ન નહીં નડે તો યજમાન ઑસ્ટ્રેલિયાને જીતવાની તક મળી શકે. જેકબ બેથેલની કરીઅરની છઠ્ઠી ટેસ્ટમાં આ પહેલી અને બીજી આંતરરાષ્ટ્રીય સદી હતી. તે વન-ડેમાં એક સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. તેણે બેન ડકેટ (42 રન) સાથે બીજી વિકેટ માટે 81 રનની, જૉ રૂટ (છ રન) સાથે 32 રનની, હૅરી બ્રૂક (42 રન) સાથે 102 રનની અને જૅમી સ્મિથ (26 રન) સાથે 45 રનની ભાગીદારી કરી હતી. બેથેલની સદી થકી જ ઇંગ્લૅન્ડની ટીમ પ્રથમ દાવની 183 રનની સરસાઈ ઊતારી શકી હતી.

આ પણ વાંચો : ઇંગ્લૅન્ડે પાંચ કૅચ છોડ્યા પછી ઑસ્ટ્રેલિયાની 44 રનની સરસાઈ…

બ્રિટિશરો બૅક-ટુ-બૅક વિજય મેળવશે?

ઇંગ્લૅન્ડની આઠમાંથી ત્રણ વિકેટ બ્યૂ વેબસ્ટરે, બે વિકેટ સ્કૉટ બૉલેન્ડે બે વિકેટ અને મિચલ સ્ટાર્ક તથા માઇકલ નેસરે એક-એક વિકેટ લીધી હતી. ઑસ્ટ્રેલિયાનો બ્યૂ વેબસ્ટર ઑલરાઉન્ડર છે અને તે પેસ બોલિંગ ઉપરાંત ઑફ-સ્પિન બોલિંગ પણ કરી જાણે છે. પહેલા દાવમાં તે 71 રને અણનમ રહ્યો હતો. પહેલા દાવમાં ઇંગ્લૅન્ડના 384 રન સામે ઑસ્ટ્રેલિયાએ 567 રન કર્યા હતા. એમાં ઓપનર ટ્રૅવિસ હેડના 163 રન અને કાર્યવાહક કૅપ્ટન સ્ટીવ સ્મિથના 138 રન સામેલ હતા. આ ટેસ્ટનું કંઈ પણ પરિણામ આવી શકે. ઑસ્ટ્રેલિયાને જીતવાનો વધુ મોકો છે, પણ બ્રિટિશ ટીમ સિરીઝમાં બૅક-ટુ-બૅક મૅચ જીતવાની તક ઝડપી શકશે.

સ્ટીવ સ્મિથની 37મી સદી નિર્ણાયક બની શકે

ઑસ્ટ્રેલિયાના કાર્યવાહક સુકાની સ્ટીવ સ્મિથે મંગળવારે 37મી ટેસ્ટ સદી ફટકારી હતી. એ સાથે તે ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ સિરીઝમાં સૌથી વધુ રન કરનારાઓમાં જૅક હૉબ્સના સ્થાને બીજા નંબરે આવી ગયો છે. આ યાદીમાં સર ડૉન બૅ્રડમૅન (5,028 રન) પ્રથમ નંબરે, સ્ટીવ સ્મિથ (3,682 રન) બીજા નંબરે અને જૅક હૉબ્સ (3,636 રન) ત્રીજા નંબરે છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button