વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી સબાલેન્કાએ ટાઈટલની જીત સાથે કરી શરૂઆત…
બ્રિસ્બેન: વિશ્વની નંબર વન અને બેલારુસની મહિલા ટેનિસ ખેલાડી આર્યન સબાલેન્કાએ વર્ષ 2025ની શરૂઆત ટાઈટલના જીત સાથે કરી હતી. સબાલેન્કાએ રશિયાની પોલિના કુદરમેતોવાને ત્રણ સેટમાં 4-6, 6-3, 6-2થી હરાવીને બ્રિસ્બેન ઈન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટનું ટાઈટલ જીતી લીધું છે. સબાલેન્કા હવે 12 જાન્યુઆરીથી શરૂ થનારી સતત ત્રીજી ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો : મેદાનમાં ક્રિકેટર પર ₹500ની નોટોનો વરસાદ થયો, જાણો કેવી રીતે…
જો બે વખતની વિજેતા સબાલેન્કા આવું કરવામાં સફળ રહેશે તો તે આ સિદ્ધિ મેળવનારી સ્વિટ્ઝર્લેન્ડની માર્ટિન હિંગિસ પછીની પ્રથમ ખેલાડી બની જશે. હિંગિસે 1997 થી 1999 સુધી સતત ત્રણ વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતી હતી. ગયા વર્ષે બ્રિસ્બેનમાં સબાલેન્કાને ફાઇનલમાં કઝાકિસ્તાનની એલીના રિબાકીનાની સામે હાર મળી હતી.
સબાલેન્કાએ કુદરમેતોવા વિરુદ્ધ ધીમી શરૂઆત કરી હતી. તેણે બે વખત સર્વિસ ગુમાવ્યા બાદ પ્રથમ સેટ ગુમાવ્યો હતો. વિશ્વની 107 નંબરની ખેલાડી કુદરમેતોવાએ તેના શક્તિશાળી સ્ટ્રોકથી સબાલેન્કાને મુશ્કેલીમાં મુકી દીધી હતી.
આ પણ વાંચો : આયુષની આતશબાજી, મુંબઈને સૌરાષ્ટ્ર સામે જિતાડ્યું…
જોકે, સબાલેન્કાએ ઝડપી ગ્રાઉન્ડ સ્ટ્રોકથી તે પછીના સેટમાં દબદબો બનાવ્યો હતો. સબાલેન્કાએ એમ પણ કહ્યું કે, કુદરમેતોવાએ શાનદાર રમત રમી હતી. તે ફાઇનલમાં રમવા માટે લાયક હતી. તે એક શાનદાર મેચ હતી અને હું તેને જીતીને ખૂબ જ ખુશ છું. ચેક રિપબ્લિકના જિરી લેહકાએ મેન્સ સિંગલનું ટાઇટલ જીત્યું હતું.