મેગા ઑક્શનમાં પહેલો ધડાકો અર્શદીપ સિંહે કર્યો, પંજાબે 18 કરોડમાં પાછો ખરીદી લીધો
રબાડાને ગુજરાતે 10.75 કરોડ રૂપિયામાં મેળવ્યો
જેદ્દાહ (સાઉદી અરેબિયા): આઇપીએલની 2025ની સીઝન માટે અહીં શરૂ થયેલા મેગા ઑક્શનની શરૂઆત લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહથી શરૂ થઈ હતી જેમાં પહેલાં સનરાઇઝર્સ હૈદરાબાદે તેને અન્ય ટીમો સાથેની રસાકસી વચ્ચે 15.75 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો, પરંતુ પછીથી પંજાબ કિંગ્સે તેને પાછો ખરીદી લેવા રાઇટ-ટૂ-મૅચ (આરટીએમ)નો વિકલ્પ વાપર્યો હતો. અર્શદીપનો આરટીએમ પહેલાંનો ભાવ વધારીને 18 કરોડ રૂપિયા કરવામાં આવ્યો હતો અને પંજાબે તેને એ ભાવે (18 કરોડ રૂપિયામાં) પાછો મેળવી લીધો હતો.
આ પણ વાંચો: આઇપીએલની 10 ટીમમાંથી કોણે કયા ખેલાડીઓને કેટલા રૂપિયામાં રીટેન કર્યા છે?
2025ની આઇપીએલ 14મી માર્ચે શરૂ થશે. પંજાબે અર્શદીપને રીટેન કરવાને બદલે હરાજીમાં મૂક્યો હતો અને અર્શદીપે પોતાના માટે બે કરોડ રૂપિયાની મૂળ કિંમત નક્કી કરી હતી. વિવિધ ટીમો (દિલ્હી, ચેન્નઈ, ગુજરાત, બેન્ગલૂરુ, રાજસ્થાનના ફ્રૅન્ચાઇઝીઓ વચ્ચે બિડ-વૉર થયા બાદ પંજાબને આરટીએમના વિકલ્પથી અર્શદીપ પાછો ખરીદી લેવાનો અધિકાર હતો જેનો ઉપયોગ કરીને એણે અર્શદીપને પાછો મેળવી લીધો હતો.
આ પણ વાંચો: આઇપીએલના મેગા ઑક્શનમાં પચીસ કરોડ રૂપિયાની બોલી બોલાશે?
ટૂંકમાં, આ મેગા ઑક્શનમાં ખરીદવામાં આવેલો પ્રથમ ખેલાડી અર્શદીપ બન્યો હતો.
બીજી બોલી સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કૅગિસો રબાડાના નામ પર બોલવાની શરૂ થઈ હતી અને બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસવાળા આ પીઢ ખેલાડીને ખરીદવા બેન્ગલૂરુ, ગુજરાત, મુંબઈ વચ્ચે તીવ્ર રસાકસી થઈ હતી અને છેવટે બેન્ગલૂરુ હરીફાઇમાંથી નીકળી જતાં છેવટે ગુજરાતે રબાડાને 10.75 કરોડ રૂપિયામાં મેળવ્યો હતો. રબાડાને પાછો મેળવવા પંજાબ પાસે આરટીએમનો વિકલ્પ હતો, પણ એણે એ વિકલ્પ નહોતો અપનાવ્યો.