ભારતનો આ સ્ટાર બોલર રૅન્કિંગમાં આઠ ક્રમની છલાંગ સાથે આઠમા સ્થાને આવી ગયો!
નવી દિલ્હી: ભારતની વર્તમાન ક્રિકેટના મુખ્ય ફાસ્ટ બોલર્સમાં ગણાતા લેફ્ટ-આર્મ બોલર અર્શદીપ સિંહે શ્રેણીબદ્ધ અસરદાર પર્ફોર્મન્સથી અને ખાસ કરીને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટી-20માં 14 રનમાં લીધેલી ત્રણ વિકેટના દેખાવ બદલ આઇસીસી ટી-20 રૅન્કિંગ્સના ટૉપ-ટેનમાં સ્થાન મેળવ્યું છે. આ ક્રમાંકોમાં તે આઠમા સ્થાને છે અને ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં તેની આ બેસ્ટ રૅન્ક છે. તે આઠ ક્રમની ઊંચી છલાંગ લગાવીને પહેલી વાર આઠમા નંબર પર આવી ગયો છે.
અર્શદીપે ટી-20માં 642 રેટિંગ મેળવ્યા છે અને એ પણ તેનો સર્વશ્રેષ્ઠ આંકડો છે. સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ઍન્રિક નૉર્કિયાના પણ 642 રેટિંગ છે અને અર્શદીપની સાથે તે આઠમા નંબરે છે.
અર્શદીપ ટી-20 બોલર્સના ટૉપ-ટેનમાં એકમાત્ર ભારતીય છે. રવિ બિશ્નોઈ 12મા નંબરે છે.
ઇંગ્લૅન્ડનો સ્પિનર આદિલ રાશિદ 721 રેટિંગ સાથે હજી પણ મોખરે છે. વેસ્ટ ઇન્ડિઝનો લેફ્ટ-આર્મ સ્પિનર અકીલ હોસૈન (695) બીજા નંબરે અને અફઘાનિસ્તાનનો સ્પિન-કિંગ રાશિદ ખાન (668) ત્રીજા નંબરે છે.
આ પણ વાંચો : Cricket Updates: હાર્દિક પંડ્યા T20 ક્રિકેટમાં નં.1 ઓલ રાઉન્ડર બની શકે છે! ICC રેન્કિંગમાં લગાવી મોટી છલાંગ
હાર્દિક પંડ્યાએ છેલ્લા કેટલાક મહિનાઓમાં અમુક મૅચો ગુમાવી છે. તે ટી-20 બૅટર્સમાં સાત ક્રમની છલાંગ લગાવીને 60મા નંબર પર આવી ગયો છે. તેણે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટી-20માં 16 બૉલમાં બે સિક્સર અને પાંચ ફોરની મદદથી 39 રન બનાવ્યા હતા. બૅટર્સના આ રૅન્કિંગમાં ઑસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ નંબર વન અને સૂર્યકુમાર યાદવ નંબર-ટૂ છે. ઇંગ્લૅન્ડનો ઓપનર ફિલ સૉલ્ટ ત્રીજે છે.
હાર્દિક પંડ્યા ટી-20ના બૅટર્સમાં છેક 60મા સ્થાને છે, પણ ઑલરાઉન્ડર્સમાં ત્રીજા સ્થાને છે. ઇંગ્લૅન્ડનો લિઆમ લિવિંગસ્ટન પ્રથમ નંબરે અને નેપાળનો દીપેન્દ્ર એઇરી બીજા નંબરે છે.
યશસ્વી જયસ્વાલ (જે બાંગ્લાદેશ સામેની ટી-20 સિરીઝ માટેની ભારતીય ટીમમાં નથી) ટી-20 બૅટર્સમાં એક સ્થાન નીચે આવી ગયો છે અને હવે પાંચમા ક્રમે છે. બાબર આઝમ આ લિસ્ટમાં ચોથા સ્થાને છે.