સ્પોર્ટસ

અર્જુન તેન્ડુલકરે નાનપણના મિત્ર પૃથ્વી શૉની વિકેટ લીધી!

જયપુરઃ ગુરુવારે અહીં વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટમાં પ્રી-ક્વૉર્ટર ફાઇનલ જેવા રાઉન્ડમાં ગોવા અને મહારાષ્ટ્રની ટીમ વચ્ચે જોરદાર રસાકસી થઈ હતી અને એમાં મહારાષ્ટ્ર પાંચ રનથી વિજય મેળવ્યો હતો એમ છતાં આ બેમાંથી એક પણ ટીમ ક્વૉર્ટર ફાઇનલમાં નહોતી પહોંચી શકી, પરંતુ મૅચની એક ઘટના સૌ કોઈમાં ચર્ચાસ્પદ થઈ હતી. એ ઘટના એવી હતી જેમાં અર્જુન તેન્ડુલકરે તેના જૂના સાથી-ખેલાડી પૃથ્વી શૉની વિકેટ લીધી હતી.

અર્જુન-પૃથ્વીનો નાનપણનો ફોટો ફરી ચગ્યો

ક્રિકેટિંગ-ગૉડ સચિન તેન્ડુલકરનો 26 વર્ષીય પુત્ર અર્જુન તેન્ડુલકર (Arjun Tendulkar) અગાઉ મુંબઈની ટીમમાં હતો અને પૃથ્વી શૉ પણ મુંબઈ વતી રમી ચૂક્યો છે. એક સમયે બન્ને ખેલાડી મુંબઈ વતી સાથે રમતા હતા. જોકે હવે અર્જુન ગોવાની ટીમમાં અને પૃથ્વી મહારાષ્ટ્રની ટીમમાં છે. તેન્ડુલકર લેફ્ટ-આર્મ પેસ બોલર છે અને પૃથ્વી રાઇટ-હૅન્ડ ઓપનર છે. અર્જુન અને પૃથ્વી આઠ-નવ વર્ષના હતા ત્યારથી મિત્ર છે. તેમણે મુંબઈ ક્રિકેટમાં સાથે કારકિર્દી શરૂ કરી હતી. પૃથ્વી નાનપણથી સચિનને મેન્ટર માનતો આવ્યો છે. પૃથ્વીને 2018થી 2021 દરમ્યાન ભારત વતી રમવા મળ્યું, પણ અર્જુનને એ મોકો નથી મળ્યો. 2011માં ભારતે વન-ડેનો વર્લ્ડ કપ જીતી લીધો હતો ત્યારે અર્જુન-પૃથ્વીએ વાનખેડે સ્ટેડિયમમાં સેલિબ્રેશનમાં ભાગ લીધો હતો. એ સમયનો (બાળપણનો) તેમનો ફોટો વર્ષોથી વાઇરલ થયો છે.

પૃથ્વીની વિકેટથી મહારાષ્ટ્ર મુશ્કેલીમાં

ગુરુવારે જયપુરમાં મૅચ હજી તો શરૂ થઈ હતી ત્યાં ગોવાના 33 વર્ષીય રાઇટ-આર્મ પેસ બોલર વાસુકી કૌશિકે પહેલી જ ઓવરના ચોથા અને છઠ્ઠા બૉલમાં આર્શિન કુલકર્ણી (0) અને અંકિત બાવણે (0)ની મહત્ત્વની વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો.

કૌશિકની ઓવર પૂરી થયા બાદ કૅપ્ટન દીપરાજ ગાંવકરે અર્જુન તેન્ડુલકરને બોલિંગ કરવા બોલાવ્યો હતો અને અર્જુને બીજા જ બૉલમાં ગાંવકરના જ હાથમાં પૃથ્વી (Prithvi)ને કૅચઆઉટ કરાવ્યો હતો. કુલ આઠ બૉલમાં પહેલી ત્રણ વિકેટ પડતાં મહારાષ્ટ્રની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો. પૃથ્વીની વિકેટથી મહારાષ્ટ્રની ટીમ મોટી મુસીબતમાં મુકાઈ ગઈ હતી. જોકે અર્જુનને ત્યાર બાદ વધુ વિકેટ નહોતી મળી.

ઋતુરાજે મહારાષ્ટ્રની લાજ રાખી

મહારાષ્ટ્રએ પહેલી પાંચ વિકેટ માત્ર પચીસ રનમાં ગુમાવી હતી. જોકે સિદ્ધાર્થ મ્હાત્રે (27 બૉલમાં ત્રણ રન)એ ધૈર્યપૂર્વક રમીને કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (134 અણનમ, 131 બૉલ, છ સિક્સર, આઠ ફોર)ને થોડો સમય સાથ આપ્યો હતો અને ત્યાર પછી ઋતુરાજે પહેલાં વિકી ઓસ્તવાલ (53 રન) સાથે અને પછી રાજવર્ધન હંગારગેકર (32 અણનમ) સાથે નાની-મોટી ભાગીદારી કરીને મહારાષ્ટ્રને 7/249નો સન્માનજનક સ્કોર અપાવ્યો હતો.

અર્જુન તેન્ડુલકર ઑલરાઉન્ડર છે, પણ તે બૅટિંગમાં સફળ નહોતો થયો અને માત્ર પાંચ રને વિકેટ ગુમાવી બેઠો હતો. ગોવાની ટીમે લલિત યાદવના અણનમ 57 રનની મદદથી નવ વિકેટે 244 રન કર્યા હતા અને વિજયથી તેઓ ફક્ત છ રન દૂર રહી ગયા હતા.

અર્જુને મંગળવારે વિક્રમ રચ્યો

અર્જુન તેન્ડુલકર ડોમેસ્ટિક ક્રિકેટમાં ખાસ કંઈ સફળ નથી થયો, પણ મંગળવારે તેણે એક વિક્રમ પોતાના નામે કર્યો હતો. તેણે પંજાબ સામેની મૅચમાં ગોવા વતી બૅટિંગ અને બોલિંગ, બન્નેમાં દાવની શરૂઆત કરી હતી. વિજય હઝારે ટ્રોફી ટૂર્નામેન્ટની એક જ મૅચમાં બૅટિંગ અને બોલિંગ, બન્નેમાં ઇનિંગ્સની શરૂઆત કરનાર તે પહેલો જ ખેલાડી બન્યો છે. જોકે એ દિવસે અર્જુન એક જ રન કરીને આઉટ થઈ ગયો હતો અને પછીથી બોલિંગમાં તેને 48 રનમાં એક પણ વિકેટ નહોતી મળી.

આ પણ વાંચો…ઈડનમાં અર્જુન તેન્ડુલકરનો તરખાટ, લખનઊમાં આયુષે રોહિત શર્માનો વિક્રમ તોડ્યો

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button