સ્પોર્ટસ

ઈડનમાં અર્જુન તેન્ડુલકરનો તરખાટ, લખનઊમાં આયુષે રોહિત શર્માનો વિક્રમ તોડ્યો

જુનિયર તેન્ડુલકરે 17 રનમાં ત્રણ વિકેટ લઈને ગોવાને જિતાડ્યું, મુંબઈનો પણ વિજય

કોલકાતાઃ ભૂતકાળમાં અહીં ઈડન ગાર્ડન્સમાં સચિન તેન્ડુલકરે ભારતને ઘણી મૅચો જિતાડી આપી હતી અને હવે તેના પુત્ર અર્જુન તેન્ડુલકરે (Arjun Tendulkar) પણ મૅચ-વિનિંગ પર્ફોર્મ કરીને આ ઐતિહાસિક સ્થળને સફળતાપૂર્વક માણવાનો અવસર મેળવ્યો છે. તેણે ચંડીગઢ સામેની મૅચમાં ગોવા વતી પહેલાં ઓપનિંગમાં નવ બૉલમાં ત્રણ ચોક્કાની મદદથી 14 રન કર્યા હતા અને પછી બે મહત્ત્વના હરીફ બૅટ્સમેન સહિત કુલ ત્રણ પ્લેયરની વિકેટ લીધી હતી.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 ટૂર્નામેન્ટમાં ગોવાએ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં છ વિકેટે 173 રન કર્યા હતા. અર્જુન રનઆઉટ થયો હતો. તેની જ ટીમના લલિત યાદવે 49 બૉલમાં ચાર સિક્સર અને છ ફોરની મદદથી અણનમ 82 રન કર્યા હતા. ચંડીગઢના સંદીપ શર્મા અને જગજિત સિંહ નામના બોલરે સૌથી વધુ બે-બે વિકેટ લીધી હતી.

અર્જુને લીધી અર્જુનની વિકેટ

જવાબમાં ચંડીગઢની ટીમ 19 ઓવરમાં ફક્ત 121 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને ગોવાનો બાવન રનથી વિજય થયો હતો. ત્રણ બોલર અર્જુન તેન્ડુલકર (4-0-17-3), વાસુકી કૌશિક (4-1-12-3) અને દર્શન મિસલ (4-0-23-3)ના ત્રણ-ત્રણ વિકેટના તરખાટને કારણે ચંડીગઢની ટીમમાં એકેય બૅટ્સમૅન 30 રન સુધી પણ નહોતો પહોંચી શક્યો. અર્જુન તેન્ડુલકરે પોતાના જેવા જ નામવાળા ચંડીગઢના અર્જુન આઝાદ (સાત રન), કૅપ્ટન શિવમ ભાંબરી (એક રન) તેમ જ પોતાને રનઆઉટ કરનાર જગજીત સિંહ (20 રન)ની વિકેટ લીધી હતી.

મુંબઈના 18 વર્ષીય આયુષ મ્હાત્રે (Ayush Mhatre)એ ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને બૅટિંગ-લેજન્ડ રોહિત શર્માનો રેકૉર્ડ તોડ્યો છે. રોહિતે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ, લિસ્ટ-એ અને ટી-20માં સેન્ચુરીની ત્રેવડી સિદ્ધિ મેળવી ત્યારે તેની ઉંમર 19 વર્ષ અને 339 દિવસ હતી. આયુષ મ્હાત્રેએ શુક્રવારે સૌથી નાની ઉંમરે આ સિદ્ધિ મેળવી છે અને તેની ઉંમર 18 વર્ષ અને 135 દિવસ છે. આયુષ મેન્સ ટી-20 ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે સદી ફટકારનાર ત્રીજા ક્રમનો ખેલાડી પણ બન્યો છે.

લખનઊમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 ટૂર્નામેન્ટમાં વિદર્ભએ નવી વિકેટે 192 રન કર્યા ત્યાર બાદ મુંબઈએ આયુષ મ્હાત્રે (110 અણનમ, 53 બૉલ, આઠ સિક્સર, આઠ ફોર)ની ફાંકડી ફટકાબાજી તેમ જ સૂર્યકુમાર યાદવના 35 રન અને શિવમ દુબેના અણનમ 39 રનની મદદતી મુંબઈએ 17.5 ઓવરમાં ત્રણ વિકેટે 194 રન કરીને વિજય મેળવ્યો હતો.

દરમ્યાન, આ જ ટૂર્નામેન્ટમાં ગુજરાતનો બેંગાલ સામે ત્રણ વિકેટે, સૌરાષ્ટ્રનો ઉત્તરાખંડ સામે છ વિકેટે અને બરોડાનો પોંડિચેરી સામે 17 રનથી પરાજય થયો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button