સ્પોર્ટસ

અર્જુન એરીગૈસી ભારતના ચેસ-સમ્રાટ આનંદ પછીનો એવો બીજો ખેલાડી બન્યો જેણે…

નવી દિલ્હીઃ એક તરફ સિંગાપોરમાં ભારતનો 18 વર્ષની ઉંમરનો ડી. ગુકેશ ચીનના વર્લ્ડ ચૅમ્પિયન ડિન્ગ લિરેનને વિશ્વ વિજેતાપદ માટે પડકારી રહ્યો છે ત્યાં બીજી બાજુ ભારતના 21 વર્ષના ગૅ્રન્ડમાસ્ટર અર્જુન એરીગૈસીએ રવિવારે અપ્રતિમ સિદ્ધિ મેળવી હતી. તે 2,800 ઇએલઓ (ઇલો) મેળવનાર બીજો ભારતીય બન્યો છે. તેણે ચેસ-લેજન્ડ વિશ્વનાથન આનંદ પછી બીજા ભારતીય તરીકે આ સિદ્ધિ હાંસલ કરી છે.

ઇલો નામ હંગેરી-અમેરિકન વિદ્વાન અર્પડ ઇલોના નામ પરથી પડ્યું છે. તેમણે ચેસ ખેલાડીઓની બુદ્ધિમતાના માપદંડ માટે ઇલો રેટિંગ સિસ્ટમ શરૂ કરી હતી.

અર્જુન આ સાથે છેલ્લામાં છેલ્લા ઇલો રેટિંગમાં ચોથા નંબરે છે. તે 2024ના વર્ષમાં જબરદસ્ત ફૉર્મમાં છે. તાજેતરના ચેસ ઑલિમ્પિયાડમાં તે વ્યક્તિગત હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો તેમ જ દેશને ટીમ-ટાઇટલ પણ અપાવ્યું હતું.

ચેસ જગતની સર્વોચ્ચ સંસ્થા ફિડએ એક્સ પર જણાવ્યું હતું કે `અર્જુન એરીગૈસી ક્લાસિકલ ચેસના રેટિંગ્સમાં 2,800 પૉઇન્ટથી આગળ જનારી વિશ્વનો 16મો ખેલાડી બન્યો છે. ડિસેમ્બર, 2024ના લેટેસ્ટ રૅટિંગમાં અર્જુનના રેટિંગ પૉઇન્ટ 2,801 છે અને હાલમાં તે વિશ્વમાં ચોથા ક્રમે છે.’

આ પણ વાંચો : ચીનના વર્લ્ડ ચૅમ્પિયનને હરાવ્યા પછી ભારતના ચેસ-સ્ટાર ગુકેશને ડ્રગ્સ-ટેસ્ટના અધિકારીઓએ કહ્યું, `ચાલો અમારી સાથે…’

તેલંગણાના વારંગલમાં જન્મેલો અર્જુન 14 વર્ષની ઉંમરે ગૅ્રન્ડમાસ્ટર બન્યો હતો અને સપ્ટેમ્બર, 2024માં આનંદના સ્થાને ભારતનો ટૉચનો ક્રમાંકિત ચેસ ખેલાડી બન્યો હતો.

અમેરિકાનો જગવિખ્યાત ચેસ ખેલાડી હિકારુ નાકામુરા 2,802 પૉઇન્ટ સાથે અર્જુનથી માત્ર એક જ પૉઇન્ટ આગળ છે. નાકામુરા ત્રીજા સ્થાને છે. નોર્વેનો ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન મૅગ્નસ કાર્લસન (2,831) હજી પણ નંબર-વન છે, જ્યારે અમેરિકાનો ફૅબિયાનો કૅરુઆના (2,805) બીજા નંબરે છે.

વર્લ્ડ ચૅમ્પિયન બનવાની રેસમાં ઉતરેલો ડી. ગુકેશ 2,783 પૉઇન્ટ સાથે અર્જુન પછી પાંચમા સ્થાને છે. વર્લ્ડ ચૅમ્પિયન ડિન્ગ લિરેનના 2,728 પૉઇન્ટ છે અને તે છેક બાવીસમાં સ્થાને છે. જોકે ગયા વર્ષે તે વિશ્વ વિજેતાપદની સ્પર્ધા જીત્યો હોવાથી હાલમાં વર્લ્ડ ચૅમ્પિયન છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button