ન્યૂ ઇંગ્લૅન્ડ સામે 6-2થી જીત, આર્જેન્ટિનાના સુપરસ્ટારે એમએલએસમાં માયામીને વિક્રમો સાથે જિતાડ્યું

ફોર્ટ લૉડરડેલ (અમેરિકા): આર્જેન્ટિનાના વર્લ્ડ ચૅમ્પિયન ફૂટબોલર લિયોનેલ મેસીએ શનિવારે ઇંગ્લૅન્ડના સૉકર-લેજન્ડ ડેવિડ બેકહૅમની ઇન્ટર માયામી ટીમ વતી શનિવારે સીઝનમાં પહેલી જ વખત ગોલની હૅટ-ટ્રિક નોંધાવી હતી અને એ સાથે માયામીએ ન્યૂ ઇંગ્લૅન્ડની ટીમને 6-2થી પરાજિત કરી હતી. એ સાથે, મેજર લીગ સૉકર (એમએલએસ)માં માયામીની ટીમે સૌથી વધુ 74 પૉઇન્ટ સાથે રેગ્યુલર સીઝન પૂરી કરી તેમ જ જીતની સર્વશ્રેષ્ઠ અને વિક્રમજનક ટકાવારી (.765) પણ માયામીના નામે રહી.
એમએલએસની આ સીઝનમાં મેસીની જેમ માયામીની ટીમમાંથી લુઇસ સુઆરેઝે પણ કુલ 20 ગોલ કર્યા હતા. આ ટૂર્નામેન્ટની કોઈ એક ટીમમાં બે ખેલાડીઓએ એક જ સીઝનમાં ટીમ વતી એકસરખા હાઈએસ્ટ ગોલ કર્યા હોય એવું પણ પહેલી વાર બન્યું છે. મેસીએ શનિવારની મૅચમાં એક તબક્કે ત્રણ મિનિટમાં બે ગોલ કર્યા હતા અને તેના કુલ ત્રણ ગોલ કુલ 30 મિનિટમાં થયા હતા.
મેસી 2023માં સીઝનની અધવચ્ચે જ માયામીની ટીમમાં જોડાયો હતો. માયામીને અગ્રણી ટીમ બનવા બદલ સપોર્ટર્સ શીલ્ડ નામનો અવૉર્ડ પણ મળ્યો છે અને માયામીની ટીમને પહેલી જ વાર આ સન્માન મળ્યું છે.
આ પણ વાંચો :મેસીના કમબૅક છતાં આર્જેન્ટિનાને જીતવા ન મળ્યું, ચિલીને હરાવવામાં બ્રાઝિલ સફળ
માયામીની ટીમે જીતની .765ની ટકાવારી નોંધાવી જે આ વખતની સીઝનમાં હાઈએસ્ટ છે જ, નવો વિક્રમ પણ નોંધાયો છે. અમેરિકાની આ ટોચની ફૂટબૉલ સ્પર્ધામાં અગાઉ જીતની સૌથી વધુ ટકાવારી (.750) 2021માં ન્યૂ ઇંગ્લૅન્ડના નામે હતી, પરંતુ મેસીની આગેવાનીમાં માયામીએ શનિવારે એને 6-2થી પરાજિત કરીને એ ટકાવારીનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો.
મેસી એમએલએસમાં માયામી વતી પહેલી વાર રમીને 19 મૅચમાં સૌથી વધુ 20 ગોલ કરવા ઉપરાંત 16 ગોલ એવા હતા જેમાં ગોલ કરનાર પ્લેયરને મેસીની મદદ મળી હતી.
મેસીએ માયામીને ક્લબ વર્લ્ડ કપમાં પહોંચાડ્યું!
મેસી હજી ઇન્ટર માયામી વતી એક જ સીઝન રમ્યો છે ત્યાં તો તેણે આ ટીમને આવતા વર્ષના ‘ફિફા ક્લબ વર્લ્ડ કપ’માં પહોંચાડી દીધી છે. દર ચાર વર્ષે રમાતા ક્લબ વર્લ્ડ કપમાં દેશોની નહીં, પણ વિશ્ર્વભરની ટોચની ફૂટબૉલ ક્લબોની ટીમ ભાગ લે છે અને અત્યાર સુધી માયામીને એમાં પહોંચવાનો મોકો નહોતો મળ્યો, પરંતુ મેસીએ એ સંભવ બનાવ્યું છે. આ ટૂર્નામેન્ટની કેટલીક મૅચો અમેરિકામાં રમાશે અને માયામીની ટીમ એમાં યજમાન તરીકે રમશે. ફિફાના પ્રમુખ જિઆની ઇન્ફૅન્ટિનોએ શનિવારે જાહેર કર્યું હતું કે ‘મને જાહેર કરતા આનંદ થાય છે કે ઇન્ટર માયામીની ટીમ 2025ના ક્લબ વર્લ્ડ કપમાં રમશે.’