કૉપા અમેરિકા ફૂટબૉલમાં આર્જેન્ટિના વિક્રમજનક 16મી વખત ચેમ્પિયન
હજારો લોકો ટિકિટ વિના ધસી આવતાં ફાઈનલ મોડી શરૂ થઈ હતી
માયામી: અમેરિકા ખંડના દેશો વચ્ચેની કૉપા અમેરિકા ફૂટબૉલ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ કોલમ્બિયાને છેલ્લી ક્ષણોમાં (એક્સટ્રા ટાઈમમાં) 1-0થી હરાવીને બૅક-ટુ-બૅક ટાઈટલ જીતી લીધું હતું. આ સાથે, આર્જેન્ટિના વિક્રમજનક 16મી વખત કૉપા અમેરિકામાં ચેમ્પિયન બન્યું છે.
કોલંબિયા છેલ્લી 28 મૅચથી અપરાજિત હતું, પરંતુ આ મૅચમાં એણે પરાજય જોવો પડ્યો.
હજારો લોકોએ ટિકિટ વગર સ્ટેડિયમમાં ધસી આવવાની કોશિશ કરવાને પગલે ફાઈનલ લગભગ એક કલાક મોડી શરૂ થઈ હતી.
આર્જેન્ટિના અને ઉરુગ્વે આ સ્પર્ધા પહેલાં હાઈએસ્ટ 15-15 ટાઇટલ સાથે બરાબરીમાં હતા. જોકે હવે આર્જેન્ટિના મોખરે થઈ ગયું છે.
આર્જેન્ટિનાનો કેપ્ટન લિયોનલ મેસી ઈજાને કારણે મૅચની છેલ્લી ક્ષણોમાં મેદાનની બહાર થઈ ગયો હતો. તેનો પગ સૂજી ગયો હતો. તે ડ્રેસિંગ રૂમમાં જઈને ખૂબ રડ્યો હતો.
જોકે મેસીની ગેરહાજરીમાં પણ આર્જેન્ટિનાની ટીમ ચેમ્પિયન બની અને પછી મેસીએ અત્યંત આનંદિત મૂડમાં સાથીઓ સાથે જીત સેલિબ્રેટ કરી હતી.
ફાઇનલની મુખ્ય 90 મિનિટ પછીનો વધારાનો સમય (ઇન્જરી ટાઈમ) પૂરો થવાને આઠ મિનિટ બાકી હતી ત્યારે (112મી મિનિટમાં) લૉઉટેરો માર્ટિનેઝે ગોલ કરીને સનસનાટી મચાવી દીધી હતી. તેના ગોલની મદદથી જ આર્જેન્ટિનાએ 1-0થી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો.
માર્ટિનેઝને સૌથી વધુ પાંચ ગોલ બદલ ‘ગોલ્ડન બૂટ’ અવૉર્ડ મળ્યો હતો.
ટૂર્નામેન્ટના બેસ્ટ પ્લેયરનો પુરસ્કાર કોલમ્બિયાના જેમ્સ રૉડ્રિગેઝને અને બેસ્ટ ગોલકીપરનો અવૉર્ડ આર્જેન્ટિનાના એમિલિયો માર્ટિનેઝને અપાયો હતો.
Also Read –