ખેલકૂદની અદાલતે કઠોર કાનૂનને વખોડ્યો, પણ વિનેશ ફોગાટ વિશે સનસનાટીભર્યું નિવેદન આપ્યું!
પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સને કારણે ચર્ચામાં આવેલી કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટ (સીએએસ)એ ટૂર્નામેન્ટ (ઑલિમ્પિક્સ) દરમ્યાન કુસ્તીબાજો તથા બૉક્સરો સહિતના ઍથ્લીટોના વજન સંબંધની બીજા દિવસની વેઇ-ઇન પ્રક્રિયા માટે લાગુ પાડવામાં આવેલા યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (યુડબ્લ્યૂડબ્લ્યૂ)ના કાનૂનને ‘કઠોર’ ગણાવીને વખોડ્યો છે. જોકે આ અદાલતે ભારતીય રેસલર વિનેશ ફોગાટ માટે કોઈ પણ પ્રકારની રાહત જાહેર નહોતી કરી. ઊલટાનું, અદાલતે કહ્યું કે પૅરિસ ઑલિમ્પિક્સમાં 50 કિલો ફ્રીસ્ટાઇલ વર્ગની કુસ્તીની હરીફાઈ માટે જરૂરી બન્ને દિવસે પોતાનું વજન પરવાનિત મર્યાદાની અંદર રહે એની તકેદારી રાખવાની વિનેશ ફોગાટની પોતાની જવાબદારી હતી.
કુસ્તીની ઇવેન્ટના પ્રથમ દિવસે ફોગાટનું વજન 50 કિલોની મર્યાદાની અંદર હતું, પરંતુ બીજા દિવસે (ગોલ્ડ મેડલ માટેની મૅચ પહેલાં) તેનું વજન 100 ગ્રામ વધુ જણાતાં તેને ફાઇનલમાંથી ગેરલાયક ઠરાવવામાં આવી હતી.
ફોગાટે સંયુક્ત સિલ્વર મેડલ માટે અપીલ કરી હતી, પરંતુ તેની અપીલ ફગાવી દેવામાં આવી હતી.
અદાલતે ત્રણ વખત ચુકાદો મોકૂફ રાખ્યા બાદ છેવટે જે ફેંસલો આપ્યો એમાં ફોગાટની અપીલ નામંજૂર કરવામાં આવી હતી જેને પગલે તે નિરાશ થઈને ભારત પાછી આવી હતી. તે કુલ ત્રણ ઑલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ ચૂકી છે. 2016માં પણ તે પોતાના વજનને લગતા મુદ્દે ડિસ્ક્વૉલિફાય થઈ હતી.
યુડબ્લ્યૂડબ્લ્યૂનો નિયમ કહે છે કે કુસ્તીબાજે પોતાની ઇવેન્ટ માટે નક્કી થયેલા બન્ને દિવસે વેઇ-ઇન ક્લિયર કરવું પડે. ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં કુસ્તીબાજને બે કિલો વધુ વજનની છૂટ હોય છે, પરંતુ ઑલિમ્પિક્સમાં એવી કોઈ છૂટછાટ નથી હોતી.
અદાલતે જણાવ્યું છે કે ‘બીજા દિવસના વેઇ-ઇનમાં જો ઍથ્લીટે કોઈ ગેરકાનૂની રીત કે ખોટી રીત ન અજમાવી હોય તો તેનું બીજું વેઇ-ઇન નિષ્ફળ જવા પછીના પરિણામો કઠોર કહેવાય. જોકે અપીલ માટેની અરજી કરનાર રેસલર (વિનેશ ફોગાટ) અનુભવી રેસલર છે અને અગાઉ આવા જ નિયમો હેઠળ ટૂર્નામેન્ટોમાં ભાગ લઈ ચૂકી છે એટલે તેને વેઇ-ઇનને લગતો કોઈ કાનૂન સમજમાં ન આવ્યો હોય એવો કોઈ જ પુરાવો નથી મળ્યો. તેણે પોતે 50 કિલો વર્ગમાં ભાગ લીધો હતો અને એમાં ભાગ લેવા બદલ ઇવેન્ટ પહેલાં પોતાનું વજન કેટલું હોવું જોઈએ એ સારી રીતે જાણતી હતી. તેની દલીલ એવી હતી કે વેઇટ-લૉસ માટે તેને પૂરતો સમય નહોતો મળ્યો.’
Also Read –