ચાર બૉલમાં ચાર વિકેટ, પાંચ રનમાં પાંચ...
સ્પોર્ટસ

ચાર બૉલમાં ચાર વિકેટ, પાંચ રનમાં પાંચ…

દુલીપ ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીરના પેસ બોલરનો વિક્રમ

બેંગલૂરુઃ ચાર દિવસની દુલીપ ટ્રોફી ક્વૉર્ટર ફાઇનલ (Duleep trophy Quarter)માં શુક્રવારના બીજા દિવસે નોર્થ ઝોનના 28 વર્ષીય પેસ બોલર ઑકિબ નબીએ કમાલનું પર્ફોર્મ કર્યું હતું. તેણે એક તબક્કે ઈસ્ટ ઝોનની ઇનિંગ્સમાં ચાર બૉલમાં ચાર વિકેટ લીધી હતી.

એ તેનો બોલિંગનો બીજો સ્પેલ હતો અને એમાં તેણે ફક્ત પાંચ રનમાં પાંચ વિકેટ લીધી હતી જેમાં સતત ચાર વિકેટનો સમાવેશ હતો. હૅટ-ટ્રિકના તરખાટ સહિત નબીએ 10.1 ઓવરમાં 28 રનના ખર્ચે કુલ પાંચ વિકેટ લીધી હતી.

PTI

નોર્થ ઝોનના 405 રનના જવાબમાં ઈસ્ટ ઝોન (East zone)ની ટીમ નબીના જાદુઈ પર્ફોર્મન્સને લીધે 230 રનમાં ઑલઆઉટ થઈ હતી.

દુલીપ ટ્રોફીની એક ઇનિંગ્સમાં ચાર બૉલમાં ચાર વિકેટ લેનાર નબી ઉપરાંત સફળ થયેલા નોર્થ ઝોનના બીજા બોલર્સમાં એશિયા કપ માટે સિલેક્ટ થયેલા હર્ષિત રાણાએ બે વિકેટ તેમ જ અર્શદીપ સિંહે એક વિકેટ લીધી હતી.

નબી જમ્મુ-કાશ્મીરનો છે. તેણે જે હૅટ-ટ્રિક લીધી એમાં પહેલાં તો વિરાટ સિંહ નામના બૅટ્સમૅનને પૅવિલિયનમાં મોકલ્યો હતો. ત્યાર પછીના બે બૉલમાં તેણે મનિશી અને મુખ્તાર હુસેનની વિકેટ લીધી હતી.

PTI

તેની ઓવર ત્યારે પૂરી થઈ હતી અને પછીની ઓવરના પહેલા જ બૉલમાં તેણે સૂરજ સિંધુ જયસ્વાલને આઉટ કર્યો હતો. મોહમ્મદ શમીની 10મી વિકેટ (નબીની પાંચમી) નબીએ જ લીધી હતી અને એ સાથે નબીના નામે પાંચ વિકેટ થઈ હતી.

દરમ્યાન બીજી ક્વૉર્ટર ફાઇનલમાં નોર્થ ઈસ્ટ ઝોન સામે સેન્ટ્રલ ઝોનના પ્રથમ દાવના 532/4 ડિક્લેર્ડ સામે નોર્થ ઈસ્ટ ઝોને 168 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. સાતમાંથી ત્રણ વિકેટ સેન્ટ્રલના પેસ બોલર આદિત્ય શૈલેષ ઠાકરેએ લીધી હતી. તેણે પોતાની લાગલગાટ ત્રણ ઓવરમાં ત્રણ બૅટ્સમેનને આઉટ કર્યા હતા.

આ પણ વાંચો…દુલીપ ટ્રોફીમાં ગિલ-જુરેલ ન રમી શક્યા, શમીને મહા મહેનતે એક વિકેટ મળી

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button