વિરાટની વધુ એક સિદ્ધિ, આટલા રન બનાવનાર ભારતનો ચોથો બૅટર બન્યો…
બેન્ગલૂરુ: વિરાટ કોહલી અહીં ગુરુવારે ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં ઝીરોમાં આઉટ થતાં ટીકાકારોનું નિશાન બન્યો હતો, પણ શુક્રવારે તેણે કિવી બોલર્સને વળતી લડત આપીને હાફ સેન્ચુરી ફટકારી એ સાથે તેની વાહ-વાહ થવા લાગી હતી. વાત એવી છે કે વિરાટે ટેસ્ટમાં 9,000 રન પૂરા કર્યા છે અને આ સિદ્ધિ મેળવનાર તે ભારતનો ચોથો અને વિશ્ર્વનો અઢારમો ખેલાડી બન્યો છે.
વિરાટ આ ઉપલબ્ધિની લગોલગ જ હતો અને એવું માનવામાં આવતું હતું કે તે ગુરુવારે પ્રથમ દાવમાં 9,000મા રન સુધી પહોંચી જશે, પરંતુ તે પોતાના નવમા બૉલમાં ઝીરોમાં આઉટ થઈ ગયો હતો. ભારતનો દાવ 46 રનના ઘરઆંગણાના સૌથી નીચા સ્કોરે સમેટાઈ ગયો હતો.
વિરાટ 9,000 રનના જાદુઈ આંકડે પહોંચીને દેશના બૅટિંગ-લેજન્ડ્સની હરોળમાં આવ્યો છે, પરંતુ ચારેયમાં વિરાટ 9,000 રન સુધી પહોંચનાર સૌથી ધીમો છે. વિરાટે 197મી ઇનિંગ્સમાં 9,000મો રન બનાવ્યો હતો.
વિરાટ તાજેતરમાં જ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ-સિરીઝમાં 27,000 આંતરરાષ્ટ્રીય રનની સિદ્ધિ હાંસલ કરનાર વિશ્ર્વનો સૌથી ઝડપી બૅટર બન્યો હતો. વિરાટે 27,000 રન કુલ 594 ઇનિંગ્સમાં બનાવ્યા હતા.
વિરાટ શુક્રવારે 70 રન બનાવીને આઉટ થયો હતો. તેના ખાતે હવે કુલ 9,017 રન છે જેમાં 29 સેન્ચુરી અને 31 હાફ સેન્ચુરી સામેલ છે. તેણે 9,017માંથી સૌથી વધુ 2,042 રન ઑસ્ટ્રેલિયા સામે બનાવ્યા છે.
કયા ભારતીયના ટેસ્ટમાં 9,000 રન
પ્લેયર રન
સચિન તેન્ડુલકર 15,921
રાહુલ દ્રવિડ 13,288
સુનીલ ગાવસકર 10,122
વિરાટ કોહલી 9,017