કુંબલેનું કહેવું છે કે `યશસ્વી રનઆઉટ થયો એ માટે…’

નવી દિલ્હીઃ યશસ્વી જયસ્વાલ (175 રન) શનિવારે અહીં ફિરોજશા કોટલા ગ્રાઉન્ડ પર રનઆઉટ થયો એ સંબંધમાં સોશ્યલ મીડિયામાં કૅપ્ટન શુભમન ગિલ (Gill)ને જવાબદાર ગણાવવામાં આવી રહ્યો છે, પરંતુ સ્પિન-લેજન્ડ અનિલ કુંબલે (Kumble)એ ગિલની તરફેણ કરી છે અને આ રનઆઉટ બદલ ખુદ યશસ્વી (Yashasvi)ને જ જવાબદાર ગણાવ્યો છે.
યશસ્વીને ત્રીજી ડબલ સેન્ચુરી કરવાનો સારો મોકો હતો. જોકે દિવસની બીજી જ ઓવરમાં તે મિડ-ઑફ તરફ બૉલને મોકલ્યા બાદ ઉતાવળે રન લેવા દોડ્યો હતો. રન દોડવાનો કૉલ ખુદ યશસ્વીનો જ હતો અને ગિલ બીજી જ ક્ષણે રન દોડવામાં પોતાને રસ નથી એવા નિર્ણય સાથે સામા છેડે પોતાની ક્રીઝમાં પહોંચી રહ્યો હતો ત્યારે પાછળથી યશસ્વી પૂરપાટ તેની તરફ દોડી આવ્યો હતો અને તેજનારાયણ ચંદરપૉલે બૉલ સીધો વિકેટકીપર ટેવિન ઇમ્લૅક તરફ ફેંક્યો હતો જેણે ક્રીઝથી બહુ દૂર રહી ગયેલા યશસ્વીને રનઆઉટ કરી દીધો હતો.
આ પણ વાંચો: યશસ્વી રનઆઉટમાં ડબલ સેન્ચુરી ચૂક્યો, ગિલ પર ટીકાનો વરસાદ વરસ્યો
કુંબલેએ આ રનઆઉટ વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ` યશસ્વીના શૉટમાં બૉલ સીધો ફીલ્ડર (ચંદરપૉલ) પાસે ગયો હતો એટલે તેણે રન માટે દોડવાની જરૂર જ નહોતી. એ રન હતો જ નહીં. યશસ્વીની પોતાની જ ભૂલ હતી. બૉલ સીધો મિડ-ઑફ પરના ફીલ્ડર તરફ ગયો હતો એટલે યશસ્વી નૉન-સ્ટ્રાઇક એન્ડ સુધી પણ ન પહોંચી શક્યો હોત.’
રનઆઉટની અપીલ થઈ હતી અને ગ્રાઉન્ડ અમ્પાયરે થર્ડ અમ્પાયરની પણ મદદ નહોતી લીધી અને યશસ્વીને આઉટ જાહેર કરી દીધો હતો. યશસ્વી પોતાની ભૂલ પર પસ્તાવો કરીને પાછો આવી ગયો હતો.

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ હેડ-કોચ અનિલ કુંબલેએ શનિવારે દિલ્હીના મેદાન પર વર્તમાન હેડ-કોચ ગૌતમ ગંભીર સાથે ઘણી વાતચીત કરી હતી. કુંબલેએ 1999માં આ જ મેદાન પર પાકિસ્તાન સામેની ટેસ્ટના એક જ દાવમાં તમામ 10 વિકેટની મહાન સિદ્ધિ મેળવી હતી. શુક્રવારે ટેસ્ટના આરંભ પહેલાં કુંબલેને બેલ વગાડવાનું સૌભાગ્ય મળ્યું હતું. (પીટીઆઇ)