સ્પોર્ટસ

ઓહ! કોહલીના મુદ્દે કુંબળેએ તાબડતોબ આ ખુલાસો બહાર પાડવો પડ્યો!

નવી દિલ્હી: વિરાટ કોહલી બ્રિસબેનમાં ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટના પ્રથમ દાવમાં ફક્ત ત્રણ રન બનાવીને આઉટ થઈ ગયો અને તે ફરી એકવાર વિકેટકીપર ઍલેકસ કૅરીનો શિકાર થયો એ સાથે સોશિયલ મીડિયામાં તે ટ્રૉલ થવા લાગ્યો. એટલું જ નહીં, ભૂતપૂર્વ કેપ્ટન અનિલ કુંબળેએ કોહલી વિશે આકરી ટિપ્પણી કરી હોવાનો ખોટો અહેવાલ પણ વાઇરલ થઈ ગયો જેને પગલે ખુદ કુંબળેએ તરત જ સ્પષ્ટતા કરવી પડી છે.

વાઇરલ થયેલા ફેક રિપોર્ટ મુજબ કોહલીના ખરાબ ફોર્મ વિશે કુંબળેએ એવું કહ્યું કે, ‘કોહલીના ખરાબ ફૉર્મ વિશે કેમ કોઈ કંઈ બોલતું નથી એ મને સમજાતું જ નથી. છેલ્લા પાંચ વર્ષથી ટેસ્ટ ક્રિકેટમાં કોઈ પણ બોલર માટે કોહલીની વિકેટ સાવ આસાન થઈ ગઈ છે. તેણે હવે સામાન પૅક કરીને લંડન ભેગા થઈ જવું જોઈએ.’

જોકે અનિલ કુંબળેએ તરત જ ખુલાસો બહાર પાડીને જણાવ્યું કે, ‘ કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ મારા ફોટા અને મારી ખોટી ટિપ્પણીઓ સાથે ખોટી પોસ્ટ વાઇરલ કરી રહ્યા છે. મેં કોહલી વિશે કંઈ જ કમેન્ટ નથી કરી અને સ્પષ્ટતા કરી દઉં છું કે આ બધા ફેક ઍકાઉન્ટ સાથે મારે કંઈ જ લેવાદેવા નથી. આ બનાવટી પોસ્ટમાં મારા નામે જે કંઈ કમેન્ટ્સ છે એ મારી નથી. હું બધાને સતર્ક કરવા માગું છું કે સોશિયલ મીડિયામાં જે કંઈ જુઓ અને જે કંઈ વાંચો એ બધું માની નહીં લેવાનું. કોઈપણ માહિતી ફૉરવર્ડ કરતાં પહેલાં એને ચકાસી લેવી જોઈએ. મારા મંતવ્યો માટે મારી સત્તાવાર સોશિયલ મીડિયા ચેનલ જ ભરોસાપાત્ર છે એવું માની લેજો.’

ઉલ્લેખનીય છે કે કોહલી જ્યારે કેપ્ટન હતો અને ત્યારે કુંબળે ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ બન્યો હતો ત્યારે બન્ને વચ્ચેના સંબંધો સારા નહોતા અને કુંબળેએ એક જ વર્ષમાં કોચપદ છોડી દીધું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button