નવી દિલ્હીઃ આજે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપ-2023ની મેચમાં કંઈક એવું બન્યું કે જેને જોનારાઓ પોતાની આંખો પર વિશ્વાસ કરી શક્યા નહોતા.
વાત જાણે એમ છે કે બાંગ્લાદેશે ટોસ જિતીને પહેલાં બોલિંગ કરવાનું નક્કી કર્યું હતું. શ્રીલંકન બેટ્સમેન એંજલો મેથ્યુઝ બેટિંગ કરવા ક્રીઝ પર તો આવ્યો, પરંતુ એના આવતા જ અંપાયરે એને પાછા પેવેલિયન જતાં રહેવાનું કહ્યું હતું. જ્યારે મેથ્યુઝે આનું કારણ પૂછ્યું તો અંપાયરે તે આઉટ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું.
હવે તમને થશે કે બેટિંગ કરવા આવ્યો અને સીધું જ અંપાયરે તેને આઉટ કઈ રીતે કહ્યું તો આવું થવાનું કારણ એવું છે કે મેથ્યુઝ ટાઈમ આઉટ થઈ ગયો હતો અને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ પહેલી વખત બન્યું હતું કે જ્યારે કોઈ બેટ્સમેન ટાઈમ આઉટ થયો હોય. આવો જોઈએ શું છે આખો મામલો- વાત જાણે એમ છે કે બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને બોલિંગ કરવાનું નક્કી કર્યું હતું.
24મી ઓવરના બીજા બોલ પર સદીરા સમરવિક્રમા કેચઆઉટ થયો હતો અને ત્યાર બાદ એંજલો મેથ્યુઝ બેટિંગ માટે આવવાનો હતો. તે મેદાન પર આવ્યો ખરો, પણ તે ખોટું હેલમેટ લઈને મેદાન પર આવ્યો હતો. એટલે તે સાચું હેલમેટ લેવા માટે પાછો પેવેલિયન જતો રહ્યો. જ્યારે મેથ્યુઝ સાચું હેલમેટ લઈને ક્રીઝ પર પાછો આવ્યો તો અંપાયરે તેને આઉટ કહીને પાછો જતા રહેવા જણાવ્યું હતું.
મેથ્યુઝ આ વાત સાંભળીને ચોંકી ગયો હતો અને તેણે જ્યારે આનું કારણ પૂછ્યું તો અંપાયરે તેને ક્રીઝ પર આવતા મોડું થઈ ગયું હતું અને એને કારણે તે ટાઈમ આઉટ થઈ ગયું હોવાનું કારણ આપ્યું હતું.
મેથ્યુઝે બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ સાથે પણ આ મામલે વાત કરી અને શાકિબ પણ પોતાની અપીલ પાછી લેવા તૈયાર નહીં થયો ત્યારે મેથ્યુઝે એક પણ બોલ રમ્યા વગર પેવેલિયન જતા રહેવું પડ્યું હતું અને તેની જગ્યાએ ધનંજય ડે સિલ્વા બેટિંગ કરવા આવ્યો ત્યારે મેચ આગળ વધી હતી.
આ ઘટનાથી ગુસ્સે ભરાયેલો મેથ્યુઝ ગુસ્સામાં પાછો પેવેલિયન જતો રહ્યો હતો, પણ તેણે પોતાનું હેલમેટ અને બેટ ફેંકી દીધું હતું એટલે આ મામલે પણ ડખ્ખો થાય એવી પૂરેપૂરી શક્યતા છે.
શું છે ટાઈમ આઉટ?
ક્રિકેટના નિયમ બનાવનારા મિરિલબોન ક્રિકેટ ક્લબના જણાવ્યા અનુસાર વિકેટ પડે કે બેટ્સમેનના રિટાયર થયા બાદ આવનારા બેટ્સમેને ત્રણ મિનિટમાં જ રમવા માટે તૈયાર થવું જોઈએ. જો આવું ના થાય તો આવનાર બેટ્સમેન પણ ટાઈમઆઉટ થઈ જાય છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને