સ્પોર્ટસ

આન્દ્રે રસેલે પર્થમાં બતાવ્યો મસલ પાવર

હૅટ-ટ્રિક સિક્સર સહિત કુલ સાત છગ્ગા ફટકારીને 71 રન ખડકી દીધા, કાંગારૂઓને ક્લીન સ્વીપ ન કરવા દીધી

પર્થ: ક્રિસ ગેઇલ અને કીરૉન પોલાર્ડ જેવા વેસ્ટ ઇન્ડિયન ખેલાડીઓએ ઘણી વાર સતતપણે સારું પર્ફોર્મ નહોતું કર્યું, પરંતુ જ્યારે અસલ મિજાજમાં આવ્યા ત્યારે હરીફ પ્લેયરોનું આવી જ બન્યું હતું. યાદ છેને, ગેઇલે 2015માં કૅનબેરામાં વન-ડેના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે 16 સિક્સર અને 10 ફોરની મદદથી 215 રન ખડકી દીધા હતા. 2013ની આઇપીએલમાં ગેઇલે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વતી રમીને પુણે વૉરિયર્સ સામે 17 છગ્ગા અને 13 ચોક્કા સાથે વિક્રમજનક અણનમ 175 રન ઝૂડી કાઢ્યા હતા. પોલાર્ડે તેની કરીઅર દરમ્યાન મુંબઈ ઇન્ડિયન્સને ફટકાબાજી કરીને ઘણી નાની-મોટી ઇનિંગ્સથી રોમાંચક જીત અપાવી હતી. તેમના જ દેશનો આન્દ્રે રસેલ પણ એવો જ પિંચ હિટર છે. મંગળવારે તે ઑસ્ટ્રેલિયાની ટીમને બરાબરનો નડી ગયો.

પર્થમાં ત્રણ મૅચવાળી ટી-20 સિરીઝની ત્રીજી મૅચમાં ઑસ્ટ્રેલિયાને વિજયથી વંચિત રાખીને રૉવમૅન પોવેલના સુકાનમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમે 0-3ના વ્હાઇટવૉશથી બચવાનું હતું અને શેરફેન રુધરફર્ડ સાથે મળીને રસેલે એ જ કામ કર્યું હતું. તેમની વચ્ચે 139 રનની રેકૉર્ડ-બ્રેક પાર્ટનરશિપ થઈ હતી.

રુધરફર્ડે પાંચ સિક્સર અને પાંચ ફોર સાથે 40 બૉલમાં અણનમ 67 રન બનાવ્યા તો રસેલે ફક્ત 29 બૉલમાં 71 રન ખડકી દીધા હતા જેમાં સાત સિક્સર અને ચાર ફોર સામેલ હતી. બન્ને બૅટરે મળીને કાંગારૂ સ્પિનર ઍડમ ઝૅમ્પા (4-0-65-1)ની બોલિંગ ઍનેલિસિસ બગાડી નાખી હતી. 19મી ઓવર ઝૅમ્પાએ કરી હતી જેમાં રસેલે પહેલા બૉલમાં છગ્ગો અને બીજા બૉલમાં ચોક્કો માર્યો હતો અને પછી તો રસેલ બેકાબૂ બન્યો હતો. તેણે ચોથા, પાંચમા અને છઠ્ઠા બૉલમાં સિક્સરની હૅટ-ટ્રિક કરીને ધમાલ મચાવી દીધી હતી. ઝૅમ્પાની એ ઓવરમાં 28 રન બન્યા હતા અને તેણે નિરાશ હાલતમાં ચાર ઓવરનો સ્પેલ પૂરો કર્યો હતો. ઝૅમ્પાની એ પહેલાંની ઓવરમાં રસેલ અને રુધરફર્ડ, બન્નેએ એક-એક સિક્સર ફટકારી હતી. સ્પેન્સર જૉન્સનને પણ બન્ને બૅટરે નહોતો છોડ્યો.

વેસ્ટ ઇન્ડિઝે બૅટિંગ મળ્યા પછી 72 રનમાં પહેલી ચાર વિકેટ ગુમાવ્યા બાદ 20મી ઓવરને અંતે 220/6ના સ્કોર સાથે કાંગારૂઓને 221 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ડેવિડ વૉર્નરની 81 રનની આક્રમક ઇનિંગ્સ છતાં ઑસ્ટ્રેલિયા 20 ઓવરમાં પાંચ વિકેટે 183 રન બનાવી શક્યું, કારણકે વૉર્નરને સામા છેડે કોઈના સારો સાથ નહોતો મળ્યો. કૅરિબિયનોનો 37 રનથી વિજય થયો અને ઑસ્ટ્રેલિયનોએ 2-1ના માર્જિનથી જીતીને સંતોષ માનવો પડ્યો હતો. રોમારિયો શેફર્ડ અને રૉસ્ટન ચેઝે બે-બે વિકેટ લીધી હતી.

ઑસ્ટ્રેલિયા ટ્રોફી જીત્યું ખરું, પણ છેલ્લે વાહ-વાહ તો રસેલ અને રુધર્ડફર્ડની જ થતી હતી. બન્ને વચ્ચે માત્ર 67 બૉલમાં 139 રનની વિક્રમજનક ભાગીદારી થઈ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button