ધમાકેદાર પર્ફોર્મન્સ માટે જાણીતો આન્દ્રે રસેલ શું આઇપીએલની આ ટીમમાં જોડાઈ રહ્યો છે?

કોલકાતા/ચેન્નઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દર સીઝન પહેલાં ખેલાડીઓને હરાજી માટે છૂટા કરી દેવાની પ્રણાલીમાં સૌથી શૉકિંગ નિર્ણય તાજેતરમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ લીધો જેમાં એણે વેસ્ટ ઇન્ડિઝના આક્રમક ઑલરાઉન્ડર આન્દ્રે રસેલને આગામી 16મી ડિસેમ્બરની હરાજી માટે રિલીઝ કરી દીધો, પરંતુ હવે તે કઈ ટીમમાં જશે એની ઉત્સુકતા વચ્ચે એક અણસાર એવો મળ્યો છે કે તે કદાચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)માં જોડાશે.
રસેલે (Russell) 2012થી 2025 સુધીમાં આઇપીએલમાં 140 મૅચમાં કુલ 2,651 રન કર્યા છે અને 123 વિકેટ લીધી છે. તે શરૂઆતમાં દિલ્હી ડેરડેવિલ્સ વતી રમતો હતો અને 11 વર્ષથી કેકેઆર સાથે સતતપણે તેનો નાતો રહ્યો હતો, પરંતુ ત્રણ ટાઇટલ જીતી ચૂકેલા કેકેઆરે ટીમમાંથી મોટા પાયે સાફસૂફી કરવાના ઇરાદા સાથે રસેલને પણ જાકારો આપીને સૌને ચોંકાવી દીધા છે. કેકેઆરે 2025ની હરાજીમાં 23.75 કરોડ રૂપિયામાં ખરીદેલા ઑલરાઉન્ડર વેન્કટેશ ઐયરને પણ રિલીઝ કરી દીધો છે.
હાર્ડ-હિટિંગ અને બાજી પલટાવી નાખતી બોલિંગ માટે જાણીતો રસેલ 2025ની સીઝનમાં સારું નહોતો રમ્યો, પરંતુ 2014માં અને 2024માં કેકેઆરને ટાઇટલ અપાવવામાં તેની મહત્ત્વની ભૂમિકા હતી.
દરમ્યાન, શરૂ થઈ રહેલી અબુ ધાબી ટી-10 લીગ માટેની તૈયારીમાં વ્યસ્ત વિસ્ફોટક ઑલરાઉન્ડર આન્દ્રે રસેલ ડેક્કન ગ્લૅડિયેટર્સ નામની ટીમમાં છે અને રસેલને આ ટીમના ખેલાડીઓ માટેના પીળા જર્સીમાં બૅટિંગ પ્રૅક્ટિસ કરી રહેલો જોઈને ઘણા ક્રિકેટપ્રેમીઓ એવી અટકળ કરી રહ્યા છે કે તેને 2026ની આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)નું ફ્રૅન્ચાઇઝી ખરીદી જ લેશે. સોશ્યલ મીડિયામાં કેટલાક ક્રિકેટલવર્સ સીએસકેને સૂચવી રહ્યા છે કે તમારી પાસે હરાજીમાં પુષ્કળ ફંડ હશે એટલે ધમાકેદાર ખેલાડી આન્દ્ર રસેલને કેમેય કરીને ખરીદી લેજો.
સીએસકે પાસે ઑક્શનમાં ખરીદવા માટે કુલ 43.40 કરોડ રૂપિયાનું ફંડ છે જેમાંથી તે સારા-સારા ખેલાડીને ખરીદી શકશે. સીએસકે કરતાં વધુ ભંડોળ એકમાત્ર કેકેઆર પાસે (64.30 કરોડ રૂપિયા) છે. કેકેઆર તો રસેલને પાછું કદાચ લેશે નહીં એટલે સીએસકેને મેળવવાનો સારો મોકો છે. સીએસકેના ખેલાડીઓના જર્સીનો રંગ પણ પીળો છે એટલે ક્રિકેટચાહકોને શંકા છે કે રસેલને પાંચ ટાઇટલ જીતી ચૂકેલી સીએસકેમાં જોડાવાની જ ઘણી ઈચ્છા હશે. આમેય, 2025ની સીઝનમાં સીએસકેની ટીમ છેક છેલ્લા સ્થાને હતી એટલે 2026માં સ્થિતિ સુધારવા સીએસકેને રસેલ જેવા ટોચના ઑલરાઉન્ડરની જરૂર પડશે જ.
આ પણ વાંચો…જાડેજાનું રાજસ્થાનમાં કમબૅક, પણ આન્દ્રે રસેલને કોલકાતાએ હરાજીમાં મૂકીને ચોંકાવી દીધા



