વિનેશ ફોગાટ પહેલા એના બાર્બોસુને મળ્યો ન્યાય, મળ્યો બ્રોન્ઝ
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની સ્ટાર કુસ્તીબાજ વિનેશ ફોગાટ 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે ફાઇનલમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. તેની પાસેથી મેડલ પણ છીનવાઈ ગયો હતો. ત્યારબાદ વિનેશે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં કેસ દાખલ કર્યો છે, જેની સુનાવણી થવાની છે. હવે નિર્ણય 13મી ઓગસ્ટે આવવાનો છે, પરંતુ તે પહેલા CAS એ રોમાનિયન જિમનાસ્ટ એના બાર્બોસુને ખુશખબર આપી છે. એનાએ જિમનાસ્ટિક્સની ફ્લોર ઈવેન્ટમાં હાર્યા છતાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ઉપરાંત કોર્ટે અમેરિકન જિમનાસ્ટ જોર્ડન ચિલ્સ પાસેથી બ્રોન્ઝ મેડલ છીનવી લીધો છે.
જિમનાસ્ટિક્સ ઇવેન્ટના અંતિમ રાઉન્ડમાં જોર્ડને 13.766ના સ્કોર સાથે ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે એનાનો સ્કોર 13.700 હતો અને તે ચોથા ક્રમે રહીને બહાર થઈ ગઈ હતી. મતલબ કે તેનો પરાજય થયો હતો. CASના નિર્ણય બાદ હવે આ મામલો સંપૂર્ણપણે પલટી ગયો છે. મેચમાં હાર બાદ એના બાર્બોસુ અને તેની ટીમે CASમાં કેસ દાખલ કર્યો હતો. તેણે કહ્યું હતું કે જોર્ડન ચિલ્સને ખોટા પોઈન્ટ આપવામાં આવ્યા હતા, જેના કારણે તે ત્રીજા ક્રમે રહી હતી અને તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ મામલે CASમાં લાંબી સુનાવણી થઈ હતી અને તેમને એનાની વાત સાચી લાગી હતી.
જોર્ડન ચિલ્સનો સ્કોર હવે ઘટીને 13.666 થઈ ગયો છે અને તે પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે એના બાર્બોસુ ત્રીજા સ્થાને આવી હતી. આ રીતે કોર્ટના નિર્ણય બાદ એનાને બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યો હતો. હવે આ નિર્ણય બાદ એના ખુશ છે. જિમનાસ્ટિક્સ ફ્લોર ઈવેન્ટની ફાઇનલમાં બ્રાઝિલની રેબેકા એન્ડ્રેડે ગોલ્ડ મેડલ અને અમેરિકાની સિમોન બાઈલ્સે સિલ્વર મેડલ જીત્યો હતો.
આ પણ વાંચો : વિનેશ ફોગાટના કેસનો ફેંસલો લંબાતો જ જાય છે, હવે નવી તારીખ છે…
વિનેશનો કેસ પણ CAS કોર્ટમાં ચાલી રહ્યો છે. 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ કુસ્તીની ફાઇનલમાં પ્રવેશીને વિનેશને સિલ્વર મેડલની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ મેડલ મેચ પહેલા તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી, કારણ કે તેનું વજન ઓલિમ્પિક ગોલ્ડ મેડલ મેચ પહેલા કરતા 100 ગ્રામ વધારે હતું. વિનેશે સેમિફાઇનલમાં ક્યુબાના કુસ્તીબાજ યુસ્નીલિસ ગુઝમેનને 5-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વિનેશ પાસે ફાઈનલ જીતીને ગોલ્ડ જીતવાની તક હતી, પરંતુ ફાઈનલ મેચની સવારે વિનેશનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું અને તેને ગેરલાયક ઠેરવવામાં આવી. આ પછી વિનેશે CASમાં કેસ દાખલ કર્યો, જેના પર નિર્ણય 13મી ઓગસ્ટે આવવાનો છે. હવે જો નિર્ણય વિનેશની તરફેણમાં આવશે તો તે સંયુક્ત રીતે સિલ્વર મેડલ મેળવશે.