એડિલેડમાં ભારતીય દર્શકે પીળો કાગળ બતાવ્યો અને ઓસ્ટ્રેલીયન દર્શકો ભડકી ગયા! જાણો શું છે કારણ
એડિલેડ: વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટમાં ઓસ્ટ્રેલીયન ટીમના ખેલાડીઓએ કરેલો સેન્ડપેપર કાંડ (Sand Paper Scandal) ઓસ્ટ્રેલીયન ક્રિકેટ પર કલંક સમાન છે, જેને ભૂંસવો લગભગ અશક્ય છે. તાજેતરમાં રમાયેલી એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના જૂના ઘા પર ભારતીય ચાહકે મરચું ભભરાવ્યું (Adelaide Test) હતું. ઓવલ સ્ટેડીયમમાં એક ભારતીય દર્શકે સેન્ડપેપર બતાવ્યું હતું, જેને કારણે વાતાવરણ ગરમાયું હતું. આ જોઈને ઓસ્ટ્રેલિયન દર્શકો ભડકી ગયા. સુરક્ષા અધિકારીઓ તરત જ ભારતીય દર્શકનેને સ્ટેડિયમની બહાર લઇ ગયા, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
વિડીયો થયો વાયરલ:
વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતીય પ્રશંસકના હાથમાં પીળા રંગનું સેન્ડપેપર છે. તે જ સમયે, ઓસ્ટ્રેલિયન દર્શકો બૂમો પાડતા જોવા મળે છે. કેટલાક દર્શકોએ ભારતીય દર્શકને બહાર કાઢવાનો ઈશારો કર્યો.
લોકોની કમેન્ટ્સ:
વાયરલ વીડિયો પર લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે, “ફક્ત ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને જ સ્ટેડિયમમાં સેન્ડપેપર લાવવાની છૂટ છે.” અન્યએ લખ્યું કે, ”ભારતીય ફેન્સની વાત જ અલગ છે.” કોઈએ લખ્યું કે, “તેને સ્ટેડિયમની બહાર લઇ જવાની કોઈ જરૂર ન હતી, તેનાથી કોઈ ખતરો નહોતો. તેણે અમને ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં એક કાળો અધ્યાય યાદ કરાવ્યો.”
શું છે સેન્ડપેપર કૌભાંડ?
24 માર્ચ 2018ના રોજ દક્ષિણ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયન ખેલાડી બૅનક્રોફ્ટ બોલ પર સેન્ડપેપર ઘસતો જોવા મળ્યો હતો. તેણે મેચના ત્રીજા દિવસે બોલ ટેમ્પરિંગ કર્યું હતું. તે સમયે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્મિથ અને વાઇસ કેપ્ટન વોર્નર હતા. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે બાદ ઓસ્ટ્રેલિયાની દુનિયાભરમાં ટીકા થઈ હતી.
Also Read – WTC ફાઈનલમાં પ્રવેશ માટે ભારતીય ટીમ પાકિસ્તાન પર નિર્ભર, જાણો નવું સમીકરણ
સ્મિથ અને વોર્નરે પ્રેસ કોન્ફરન્સમાં પોતાની ભૂલ સ્વીકારી હતી અને આ કૌભાંડમાં સામેલ ત્રણેય ખેલાડીઓ સામે કડક પગલા લેવામાં આવ્યા હતાં. ઓસ્ટ્રેલિયાએ સ્મિથ અને વોર્નર પર એક-એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો જ્યારે બેનક્રોફ્ટ પર 9 મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) હાલમાં 1-1 થી બરાબર છે. ભારત પર્થમાં 295 રનથી જીત્યું હતું અને એડિલેડમાં 10 વિકેટે હાર્યું હતું. BGTની ત્રીજી ટેસ્ટ શનિવાર (14 ડિસેમ્બર)થી બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાશે.