સ્પોર્ટસ

ભાવુક થયેલા શ્રીલંકાએ પાકિસ્તાનને ભાર દઈને વિનંતી કરી કે…

15મીની મૅચ વિશે આઇસીસીની પાકિસ્તાન સાથે ફરી મંત્રણા

નવી દિલ્હી: શનિવાર, સાતમી ફેબ્રુઆરીએ શરૂ થઈ રહેલા મેન્સ ટી-20 વર્લ્ડ કપની 15મી ફેબ્રુઆરીની ભારત સામેની મૅચનો બહિષ્કાર કરનાર પાકિસ્તાનને સમજાવવા એની સાથે આઇસીસીની નવી મંત્રણા ચાલી રહી છે ત્યારે આ વિશ્વ કપના સહ-યજમાન શ્રીલંકાએ ભાવુક શબ્દોમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને બહિષ્કાર પાછો ખેંચવા નમ્ર વિનંતી કરી છે.

પાકિસ્તાનની 15મીની ભારત સામેની મૅચ કોલંબોમાં રમાવાની છે, પણ પાકિસ્તાને આઇસીસીના પ્રોટોકોલનો અનાદર કરનાર બાંગ્લાદેશની આ ટૂર્નામેન્ટમાંથી હકાલપટ્ટી કરી એ બદલ 15મીની મૅચનો બૉયકૉટ કરીને પાકિસ્તાને ભારત પર ગુસ્સો ઊતાર્યોં છે. પાકિસ્તાન જો ભારત સામે નહીં રમે તો બે પોઇન્ટ ભારતને અપાશે અને પાકિસ્તાનના નેટ રન રેટને વિપરીત અસર થશે. પાકિસ્તાનને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પણ થશે. પાકિસ્તાન (Pakistan)ના વડા પ્રધાન શેહબાઝ શરીફે પણ બહિષ્કાર (Boycott)ના પોતાની સરકારના નિર્ણયને એકદમ યોગ્ય ગણાવ્યો છે.

શ્રીલંકા (Sri Lanka)ના ક્રિકેટ બોર્ડે આ બધા મહત્ત્વના મુદ્દા ધ્યાનમાં લઈને પાકિસ્તાનને ભારત સામેની મૅચનો બહિષ્કાર પાછો ખેંચી લેવા તેમ જ 15મીએ ભારત સામે કોલંબોમાં રમવા ભાર દઈને વિનંતી કરી છે.

શ્રીલંકાએ પાકિસ્તાનને શું લખ્યું, કેવી વિનંતી કરી?

સહ-યજમાન શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને લખ્યું છે કે ‘અમને આઇસીસીએ વર્લ્ડ કપના સહ યજમાન બનાવ્યા એ અમારા માટે બહુ મોટી વાત છે. તમારી ભારત સામેની મૅચ સહિત તમામ મૅચોને લગતી બધી તૈયારી અમે કરી રાખી છે. કમર્શીયલ કોન્ટ્રેકટ હોય કે સ્ટેડિયમો તૈયાર રાખવાના કામ હોય, તમામ ટીમોને દેશમાં અન્ય સ્થળે પહોંચાડવાની જવાબદારી હોય કે તેમની સલામતીને લગતી તૈયારી હોય, હોટલના બુકિંગ્સ હોય કે ટિકિટોના વેચાણ. આ તમામ તૈયારી અમે કરી લીધી છે. તમે જો ભારત સામેની મૅચ નહીં રમો તો અમને બહુ મોટું નુકસાન થશે. અમારા પર્યટન ઉદ્યોગને પણ માઠી અસર થશે. તમને યાદ હશે કે 2009માં લાહોરમાં અમારી ક્રિકેટ ટીમની બસ પર આતંકવાદી હુમલો થયો હતો ત્યાર પછી અમુક વર્ષો પછી પણ બીજા દેશોએ તમારે ત્યાં રમવા આવવાનો ઇન્કાર કર્યો હરો, પણ અમે અમારી ક્રિકેટ ટીમ મોકલી હતી. એ આતંકી હુમલામાં ઘાયલ થયેલા અમારા કેટલાક ખેલાડી અને અધિકારીઓ હજી પણ શારીરિક ખામીનો અને માનસિક આઘાતનો સામનો કરી રહ્યા છે. અમારા ક્રિકેટ બોર્ડે અમારી સરકાર સાથે મળીને ત્યારે તમારી સાથે ફરી ક્રિકેટ સંબંધો બાંધ્યા હતા. અમે ઈચ્છીએ છીએ કે તમે પણ અમારી તકલીફ અને વિનંતી સમજો અને કોલંબોમાં ભારત સામે રમાનારી મૅચનો બહિષ્કાર પાછો ખેંચો. અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આપણા બે દેશના સંબંધો, ટૂર્નામેન્ટનું હિત અને તમામ સ્ટેક-હોલ્ડર્સના હિતને ધ્યાનમાં રાખીને તેમ જ ખેલદિલીની ભાવના બતાવીને નિર્ણય બદલો અને 15મીએ ભારત સામે રમવા તૈયાર થઈ જાઓ.’

આપણ વાંચો:  થ્રિલિંગ ફાઇનલમાં મંધાનાની ટીમ જીતીઃ બેંગ્લૂરુનું બીજું ટાઇટલ, દિલ્હી ચોથી વાર પણ અનલકી

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button