નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે પૅરિસ પૅરાલિમ્પિક્સમાં શૂટિંગનો ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતનાર બાવીસ વર્ષની અવની લેખરાને પૅરાલિમ્પિક્સની અપ્રતિમ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એક્સ (ટ્વિટર) પર લખ્યું, ‘આપણી ગોલ્ડન ગર્લ અવની ફરી ગોલ્ડ જીતી અને એ બદલ તેને હાર્દિક અભિનંદન. તેં ફરી એકવાર ભારતની અવિરત પ્રગતિ અને સફળતા પુરવાર કરી છે. ભવિષ્યની ઇવેન્ટ્સ માટે તને ખૂબ ખૂબ શુભેચ્છા.’
અવની દિવ્યાંગ ઍથ્લીટ્સ માટેની પૅરાલિમ્પિક્સમાં બે ગોલ્ડ જીતનાર ભારતની પ્રથમ મહિલા ઍથ્લીટ બની છે. તે 2021ની ટોક્યો પૅરાલિમ્પિક્સમાં પણ સુવર્ણ ચંદ્રક જીતી હતી.
ભારતે કુલ 84 દિવ્યાંગ ઍથ્લીટ્સને પૅરિસ મોકલ્યા છે જેમાં બાવન પુરુષ તથા 32 મહિલા ઍથ્લીટ સામેલ છે.
શુક્રવારે પૅરિસ પૅરાલિમ્પિક્સમાં રાજસ્થાનની મોના અગરવાલ શૂટિંગનો બ્રૉન્ઝ જીતી હતી.
આ પણ વાંચો :શૂટર અવની લેખરાએ પૅરાલિમ્પિક્સમાં ભારત માટે રચ્યો ઇતિહાસ
અવની અને મોના, બન્નેએ વ્હીલચેરમાં બેસીને સ્પર્ધામાં ભાગ લીધો હતો.
મોના 37 વર્ષની છે. તેણે શૂટિંગમાં કરીઅર બનાવવાની શરૂઆત કરી એ પહેલાં તે ગોળા ફેંક, પાવરલિફ્ટિંગ તેમ જ વ્હીલચેર વૉલીબૉલમાં પોતાની ટૅલન્ટ બતાવી ચૂકી હતી.
શુક્રવારે પૅરિસ પૅરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર તમામ ઍથ્લીટ્સને ભારત સરકાર તરફથી સોશિયલ મીડિયામાં અભિનંદન આપવામાં આવ્યા હતા.