અમિત મિશ્રાએ મૌન તોડતા કહ્યું, ‘સંજીવ ગોયેન્કા કે. એલ. રાહુલ પર ગુસ્સે થયા હતા, કારણકે…’

નવી દિલ્હી: યાદ છેને, બે મહિના પહેલાં આઇપીએલમાં લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી) ફ્રૅન્ચાઇઝીના માલિક સંજીવ ગોયેન્કા ટીમના કૅપ્ટન કે. એલ. રાહુલ પર એક મૅચ બાદ ગુસ્સે થઈ ગયા, પણ ઠંડા મગજવાળો રાહુલ એકદમ શાંત ઊભો રહીને બધુ સાંભળી રહ્યો હતો એવો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે એ ઘટના વિશે અનેક પ્રકારની અટકળો થઈ હતી અને ત્યાં સુધી ચર્ચા ચાલી હતી કે રાહુલ હવે પછી એલએસજી ટીમમાં નહીં રહે. જોકે પછીથી મામલો ઠંડો પડી ગયો હતો. એલએસજીના પીઢ સ્પિનર અમિત મિશ્રાએ તાજેતરમાં જ એ ઘટના બાબતમાં એક ઇન્ટરવ્યૂમાં મૌન તોડ્યું હતું.
આ પણ વાંચો: રાહુલને ટીમના માલિક ગોયેન્કાએ કેમ જાહેરમાં ઠપકો આપ્યો?: કેટલાક કારણો ચર્ચામાં છે
અમિત મિશ્રાએ કહ્યું છે કે ‘ખરું કહું તો એલએસજી ટીમના માલિક સંજીવ ગોયેન્કા ટીમના પરિણામોથી નારાજ હતા અને તેમની એ નારાજગી ટીવી પર જોવા મળી હતી. લખનઊ સામે હૈદરાબાદને 166 રનનો સન્માનજનક પડકાર મળ્યો હતો અને સનરાઇઝર્સ હૈદરાબાદે માત્ર 10 ઓવરની અંદર લક્ષ્યાંક મેળવી લીધો હતો અને એ મુકાબલો 10 વિકેટે જીતી લીધો હતો. એમાં ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ કમાલની બૅટિંગ કરી હતી.’
મૅચ પછી રાહુલ પર ગોયેન્કા જે રીતે ગુસ્સામાં લાગતા હતા એનો વીડિયો વાયરલ થયો હતો.
અમિત મિશ્રાએ એ ચર્ચાસ્પદ ઘટના વિશે મૌન તોડયું છે અને એક ઇન્ટરવ્યૂમાં એ ઘટના દરમ્યાનની થોડી અજાણી વિગતો જણાવી છે. અમિતે કહ્યું, ‘ગોયેન્કા ખૂબ નારાજ હતા. અમે બૅક-ટુ-બૅક મૅચ ખરાબ રીતે હારી ગયા હતા. (છેવટે ચૅમ્પિયન બનેલા) કોલકાતા સામે અમે લીગમાં 90-100 રનથી હારી ગયા હતા અને હૈદરાબાદે તો મૅચ 10 ઓવરમાં જ પૂરી કરી નાખી હતી. અમને એવું લાગતું હતું કે જાણે અમે તેમને નેટ-પ્રૅક્ટિસ સેશનમાં બોલિંગ કરી રહ્યા છીએ. હું એ પરાજયોની બાબતમાં ગુસ્સે હતો તો જે વ્યક્તિએ ટીમમાં પૈસા નાખ્યા હોય (મોટું રોકાણ કર્યું હોય) તે ગુસ્સે થાય એ સ્વાભાવિક છે.’
આ પણ વાંચો: ‘રાહુલને ગોયેન્કા ઠપકો નહોતા આપી રહ્યા, હું ત્યાં હાજર હતો’ એવું કોણે કહ્યું?
હવે ખરી વાત આવે છે કે અમિત મિશ્રાએ એ ઘટના વિશે મુલાકાતમાં શું કહ્યું છે. અમિતે પત્રકારને જણાવ્યું, ‘મામલો કંઈ એવો ગંભીર નહોતો. મને લાગે છે કે લોકોએ અને મીડિયામાં એ બનાવને વધુ પડતો ચગાવવામાં આવ્યો હતો. મને પછીથી ખબર પડી હતી કે ગોયેન્કાએ કે. એલ. રાહુલને કહ્યું કે આપણી બોલિંગ બહુ જ ખરાબ હતી અને આપણી ટીમે થોડી તો લડત આપવી જોઈતી હતી. ગોયેન્કાએ રાહુલને એવું પણ કહ્યું કે આપણી ટીમે જાણે શરણાગતિ જ સ્વીકારી લીધી હતી.’
કેટલાક અહેવાલોમાં જણાવાયું હતું કે ‘2025ની આઇપીએલ માટેના મેગા ઑક્શન પહેલાં લખનઊનું ફ્રૅન્ચાઇઝી રાહુલને રિલીઝ કરી દેશે. જોકે ઑક્શનને હજી પાંચ-છ મહિનાની વાર છે એટલે હમણાં તો રાહુલ સંદર્ભમાં કોઈ પ્રકારની બાબતને પુષ્ટિ નથી મળી.’
આ પણ વાંચો: ગોયેન્કા અને કેએલ રાહુલ વચ્ચેનો મામલો હવે ઠંડો પડી ગયો…
લખનઊની ટીમ 2024ની આઇપીએલમાં છેક સાતમા નંબરે હતી અને પહેલી વાર પ્લે-ઑફથી વંચિત રહી ગઈ હતી.
શ્રીલંકા સામે થોડા જ દિવસમાં રમાનારી સિરીઝથી કે. એલ. રાહુલ ફરી ભારત વતી રમતો જોવા મળશે.