ભારતના પીઢ સ્પિનરની નિવૃત્તિઃ ભજ્જી અને કુંબલેના યુગમાં તેને ઓછું રમવા મળ્યું

નવી દિલ્હીઃ ભારતના પીઢ લેગ-સ્પિનર અમિત મિશ્રા (Amit Mishra)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. અઢી દાયકાની કારકિર્દીમાં ભારત વતી તે છેલ્લે 2017માં (આઠ વર્ષ પહેલાં) રમ્યો હતો. 42 વર્ષનો મિશ્રા આઇપીએલમાં 2024ની સીઝન સુધી રમ્યો હતો. તેણે ફોન પર પીટીઆઇ સાથેની વાતચીતમાં નિવૃત્તિની જાણકારીને સમર્થન આપ્યું હતું.
મિશ્રા હરિયાણાનો છે. તેણે પીટીઆઇને જણાવ્યું હતું કે ` મેં રિટાયરમેન્ટ, (retirement)નો નિર્ણય લઈ લીધો છે. હું વારંવાર ઈજાનો ભોગ બની રહ્યો છું અને યુવાન ખેલાડીઓ માટે માર્ગ મોકળો થઈ જવો જોઈએ એવું માનીને મેં નિવૃત્તિ લીધી છે. હું ત્રણ દાયકા દરમ્યાન પચીસ વર્ષ રમ્યો જેમાં મને સચિન તેન્ડુલકર જેવા લેજન્ડ્સની સાથે, એમએસ ધોની જેવા લીડરના હાથ નીચે અને રોહિત શર્મા જેવા વર્તમાન સ્ટાર ખેલાડીઓની સાથે રમવાનો અવસર મળ્યો હતો. ક્રિકેટની રમતે મને બધુ આપ્યું છે. મને આ અઢી દાયકા દરમ્યાન માન-સન્માન મળ્યું, મને એક ઓળખ મળી અને મને રમવા માટેનો એક અગત્યનો આશય પણ મળ્યો. દરેકને ગૅ્રન્ડ ફેરવેલ કે (નિવૃત્તિની જાહેરાત માટે) મોટી પત્રકાર પરિષદનો મોકો નથી મળતો હોતો. જોકે મારા માટે અગત્યનું એ છે કે મેં ક્રિકેટને પુષ્કળ આપ્યું છે. મને જ્યારે પણ રમવાનો મોકો મળ્યો ત્યારે દિલથી રમ્યો છું.’
આ પણ વાંચો: ચેતેશ્વર પુજારાએ નિવૃત્તિના બે દિવસ બાદ જાહેર કર્યું કે તેને…
મિશ્રા ભારતીય ક્રિકેટમાં બહુ જાણીતું નામ છે, પણ એ ખ્યાતિની તુલનામાં તેના નામે આંતરરાષ્ટ્રીય મૅચો ઓછી છે. તે બાવીસ ટેસ્ટ, 36 વન-ડે અને 10 ટી-20 રમ્યો હતો. તેણે ટેસ્ટ-ક્રિકેટમાં 76 વિકેટ અને વન-ડે ફૉર્મેટમાં 64 વિકેટ લીધી હતી. તેણે ટેસ્ટ સહિતની 152 ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં 535 વિકેટ લીધી હતી.
લેગ-બ્રેક બોલર મિશ્રાએ 2003માં સાઉથ આફ્રિકા સામે રમીને વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું અને ટેસ્ટમાં તેનું આગમન છેક 2008માં ઑસ્ટ્રેલિયા સામે થયું હતું. આનું કારણ એ હતું કે હરભજન સિંહ અને અનિલ કુંબલે વધુ અસરદાર હોવાથી મિશ્રાને વધુ રમવાની તક નહોતી મળતી.
આઇપીએલમાં મિશ્રા ડેક્કન ચાર્જર્સ, લખનઊ સુપર જાયન્ટ્સ, દિલ્હી કૅપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વતી રમ્યો છે.