સ્પોર્ટસ

રાજકોટ ટેસ્ટમાં એકસાથે બે ડેબ્યૂ, 1932માં સૌપ્રથમ ટેસ્ટ-કૅપ રાજકોટના જ અમર સિંહને મળી હતી

રાજકોટ: ટેસ્ટ-કૅપ મળે એ કોઈ પણ ખેલાડી માટે બહુ મોટું ગૌરવ કહેવાય, કારણકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ખરો પાયો ટેસ્ટ-મૅચ રમીને જ નાખી શકાય છે. બૅટિંગ અને બોલિંગના ખરા દાવપેચ આ સૌથી લાંબા ફૉર્મેટમાં રમીને જ શીખવા મળતા હોય છે. આગળ જતાં એ જ પ્લેયર ટેસ્ટ-મૅચમાં રમીને જે બૅટિંગ-ટેક્નિક કે બોલિંગના વૅરિએશન્સ શીખ્યો હોય તેમ જ લાંબા સમય સુધી ક્રીઝ પર રહીને હરીફોની તરકીબ અને ગેમને જાણી શક્યો હોય એ બધુ તેને મેદાન પરનું ભાવિ મજબૂત કરવા માટે કામ લાગે છે.

ઇંગ્લૅન્ડ સામે અહીં શરૂ થયેલી પાંચ મૅચવાળી શ્રેણીની ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે એકસાથે બે યુવા ખેલાડીઓને ડેબ્યૂ કરવાનો મોકો આપવામાં આવ્યો હતો. મુંબઈના બૅટર સરફરાઝ ખાને રણજી ટ્રોફી સહિત ડોમેસ્ટિક ક્રિકેટમાં પુષ્કળ રન બનાવ્યા છે અને તે ભારતનો 311મા નંબરનો ટેસ્ટ-ખેલાડી બન્યો, જ્યારે ઉત્તર પ્રદેશનો વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલ 312મો ટેસ્ટ-પ્લેયર બન્યો હતો. અહીં ઉલ્લેખ કરવાનો કે 1932માં ભારત સૌપ્રથમ ટેસ્ટ-મૅચ રમ્યું ત્યારે લૉર્ડ્સમાં ભારતની ઇંગ્લૅન્ડ સામેની સૌથી પહેલી ટેસ્ટના આરંભ પહેલાં ભારતના જે ખેલાડીઓને પ્રતિષ્ઠિત ટેસ્ટ-કૅપ આપવામાં આવી હતી એમાં અમર સિંહ પ્રથમ હતા. તેમને ભારતની ટેસ્ટ-કૅપ નંબર-વન મળી હતી. અમરસિંહનું પૂરું નામ લાધાભાઈ નકુમ અમર સિંહ હતું. તેમનો જન્મ 1910માં રાજકોટમાં થયો હતો. તેઓ ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર હતા અને સાત ટેસ્ટમાં તેમણે 292 રન બનાવવા ઉપરાંત 28 વિકેટ લીધી હતી. તેઓ સાતેય ટેસ્ટ ઇંગ્લૅન્ડ સામે રમ્યા હતા. 1970માં ઇંગ્લૅન્ડના મહાન ક્રિકેટર સર લેન હટને મદ્રાસમાં પત્રકારોને કહ્યું હતું, ‘અત્યારે ક્રિકેટજગતમાં અમર સિંહથી સારો બીજો કોઈ બોલર નથી.’


1940માં અમરસિંહનું માત્ર 29 વર્ષની ઉંમરે લાંબા અંતર સુધી સ્વિમિંગ કર્યા પછી ટાયફોડ થવાને કારણે જામનગરમાં અવસાન થયું હતું.


યોગાનુયોગ, સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલને રાજકોટની ધરતી પર નવી ટેસ્ટ-કૅપ મળી અને હાલમાં સિરીઝ ઇંગ્લૅન્ડ સામે રમાઈ રહી છે.


સરફરાઝને ભારતના સ્પિન-લેજન્ડ અનિલ કુંબલેના હસ્તે અને ધ્રુવને વિકેટકીપર-બૅટર દિનેશ કાર્તિકના હસ્તે ટેસ્ટ-કૅપ મળી હતી.


અહીં આપણે ખાસ કરીને સરફરાઝ ખાનના રણજી ટ્રોફીમાંના પર્ફોર્મન્સ પર નજર કરીએ. 2015માં તેણે રણજી ટ્રોફીની સીઝનમાં 95 રન, 2016માં 204 રન અને 2017માં 246 રન બનાવ્યા હતા. જોકે છેલ્લી ત્રણ સીઝનના આંકડા અદ્ભુત છે. 26 વર્ષના સરફરાઝે 2020ની રણજીમાં 928 રન, 2022માં 982 રન અને 2023માં 556 રન બનાવ્યા હતા. કુલ મળીને તેણે 45 ફર્સ્ટ ક્લાસ મૅચમાં 3912 રન બનાવ્યા છે જેમાં 14 સેન્ચુરી સામેલ છે. તેણે 73 સિક્સર અને 443 ફોર ફટકારી છે તેમ જ 50 કૅચ પકડ્યા છે. આઇપીએલમાં તે દિલ્હી કૅપિટલ્સ, કિંગ્સ ઇલેવન પંજાબ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વતી રમી ચૂક્યો છે.


વિકેટકીપર ધ્રુવ જુરેલ 23 વર્ષનો છે. ઉત્તર પ્રદેશના આગ્રામાં જન્મેલા ધ્રુવને માત્ર 15 ફર્સ્ટ ક્લાસ મૅચના પર્ફોર્મન્સને આધારે ટેસ્ટ-ટીમમાં સ્થાન મળી ગયું છે. એ 15 મૅચમાં તેણે સ્ટમ્પ્સની પાછળથી 36 શિકાર કર્યા છે તેમ જ એક સેન્ચુરી સહિત 790 રન પણ બનાવ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો