
બૅસેટીયરઃ રવિવારે અહીં સિરીઝની પ્રથમ વન-ડે મૅચ પહેલાં અમ્પાયરને ગાળ આપવા બદલ વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફને મૅચ-ફીના પચીસ ટકા હિસ્સાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
રવિવારે બાંગ્લાદેશ સામેની આ મૅચ વેસ્ટ ઇન્ડિઝે 14 બૉલ બાકી રાખીને પાંચ વિકેટે જીતી લીધી હતી.
બાંગ્લાદેશે કૅપ્ટન મેહદી હસન મિરાઝના 74 રનની મદદથી છ વિકેટે 294 રન બનાવ્યા હતા. કૅરિબિયન બોલર રોમારિયો શેફર્ડે ત્રણ તેમ જ અલ્ઝારી જોસેફે બે વિકેટ લીધી હતી. વેસ્ટ ઇન્ડિઝે શેરફેન રુધરફર્ડના 113 રન અને કૅપ્ટન-વિકેટકીપર શાઇ હોપના 86 રનની મદદથી 47.4 ઓવરમાં પાંચ વિકેટે 295 રન બનાવીને વિજય મેળવી લીધો હતો.
આ પણ વાંચો : કપિલ દેવ એક શરતે વિનોદ કાંબળીને આર્થિક મદદ કરવા તૈયાર છે
મૅચના આરંભ પહેલાં અલ્ઝારી જોસેફ અને ફોર્થ અમ્પાયર ગ્રેગરી બ્રેથવેઇટ વચ્ચે બોલાચાલી થઈ હતી. ફોર્થ અમ્પાયર જે રિઝર્વ અમ્પાયર તરીકે પણ ઓળખાય છે તેમણે અલ્ઝારીને સ્પાઇક્સ શૂઝ પહેરીને પિચ પર ન આવવા વિનંતી કરી હતી.
અલ્ઝારીને એ ન ગમ્યું અને તેણે અમ્પાયરને ગાળ આપી હતી. અમ્પાયરે મૅચ રેફરી જેફ ક્રોને ફરિયાદ કરી હતી જેમણે સુનાવણી રાખવાની તૈયારી શરૂ કરી હતી, પરંતુ અલ્ઝારીએ આક્ષેપ સ્વીકારી લીધો એટલે મામલો ત્યાં અટકી ગયો અને જેફ ક્રોએ અલ્ઝારીને પચીસ ટકા મૅચ-ફીનો દંડ ફટકાર્યો હતો. અલ્ઝારી વિરુદ્ધની ફરિયાદમાં ફોર્થ અમ્પાયર સાથે મેદાન પરના બન્ને અમ્પાયર (કુમાર ધર્મસેના તથા લેસલી રાફઇર) તેમ જ થર્ડ અમ્પાયર આસિફ યાકુબ પણ જોડાયા હતા.