સ્પોર્ટસ

` આવું ન કરો, બુમરાહની જિંદગી અને તેના પરિવાર વિશે પણ વિચારો’: અલીઝા હિલીએ કેમ આવું કહ્યું?

સિડનીઃ ટેસ્ટ-ક્રિકેટના હાલના નંબર-વન બોલર જસપ્રીત બુમરાહની ફિટનેસનો મુદ્દો ભારતીય ટીમ મૅનેજમેન્ટ માટે કેમ નંબર-વન હોવો જોઈએ એ વિશે ઑસ્ટ્રેલિયાની વિકેટકીપર-બૅટર અને ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન વિકેટકીપર-બૅટ્સમૅન ઇયાન હિલીની ભત્રીજી અલીઝા હિલી (Alyssa Healy) પાસે એક સ્પોર્ટ્સ પૉડકાસ્ટ પર પ્રતિક્રિયા માગવામાં આવતાં તેણે બુમરાહ (BUMRAH) વિશે ભાવુક કરી મૂકે એવી કમેન્ટ કરી હતી. અલીઝા હિલીએ બુમરાહની ફિટનેસ વિશે ચિંતા કરવા ઉપરાંત તેના અંગત જીવનને પણ લક્ષમાં રાખવાનો ભારતીય ક્રિકેટના મોવડીઓને આડકતરો ઇશારો કર્યો હતો.

35 વર્ષની અલીઝા હિલી ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કની પત્ની છે. ફાસ્ટ બોલરની જિંદગી કેવી હોય અને તેણે કઈ કરીઅર જાળવી રાખવા તેમ જ અંગત જીવનમાં પણ કેવી કાળજી લેવી પડે એની વાત કરી છે.

https://twitter.com/Sportskeeda/status/1940077113291239617

અલીઝા હિલી 285થી વધુ આંતરરાષ્ટ્રીય મૅચ રમી છે જેમાં તેણે કુલ 6,200થી પણ વધુ રન કર્યા છે તેમ જ સ્ટમ્પ્સની પાછળથી 250થી પણ વધુ શિકાર કર્યા છે.

અલીઝા હિલીએ બુમરાહની પીઠ તથા અન્ય ઈજાઓના મુદ્દે ભાવનાત્મક નિવેદનમાં જણાવ્યું છે કે ` બુમરાહ બે સર્જરી (surgery) કરાવી ચૂક્યો છે અને તેને હજી પણ ઘણી શારીરિક તકલીફો છે. માનવતાની દૃષ્ટિએ જોઈએ તો એ મોટી ચિંતાનો વિષય છે. તેણે હજી ઘણી લાંબી લાઇફ એન્જૉય કરવાની છે. તેને પરિવારની પણ ચિંતા હશે. તેની સર્જરીને ધ્યાનમાં લઈને તેની ફિટનેસને જો સરખી રીતે ધ્યાનમાં નહીં લેવામાં આવે તો (ભારતે) બોલર તરીકે કાયમ માટે ગુમાવવો પડી શકે. આ જ વર્કલૉડનો ખરો અને અગત્યનો મુદ્દો છે. બધાએ જોયું હતુંને, પાંચ મહિના પહેલાં તે સિડની ટેસ્ટમાં અધવચ્ચે કેવો નીકળી ગયો હતો. તે સતત સારી બોલિંગ કરે છે, પરંતુ તેને પીઠનો દુખાવો ખૂબ પરેશાન કરી રહ્યો છે એ પણ તે સારી રીતે જાણતો જ હશે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button