કાકા ઈયાન હિલીના નામવાળા મેદાન પર ભત્રીજી અલીઝા હિલીની વિનિંગ સેન્ચુરી

બ્રિસ્બેનઃ ઑસ્ટ્રેલિયા (Australia)ના મહાન વિકેટકીપર-બૅટ્સમૅન ઈયાન હિલીની ભત્રીજી અલીઝા હિલી બે દિવસ પહેલાં (શુક્રવારે) બ્રિસ્બેન શહેરમાં તેના કાકાના નામવાળા ઈયાન હિલી ઓવલ સ્ટેડિયમમાં ભારત સામે નવ રન માટે સેન્ચુરી ચૂકી ગઈ હતી, પરંતુ એ ઇચ્છા તેણે 48 કલાકમાં (રવિવારે) પૂરી કરી હતી અને ઑસ્ટ્રેલિયા એ' ટીમને વિજય અપાવ્યો હતો. જોકે આ વન-ડે મૅચની સિરીઝ ઇન્ડિયા
એ’ ટીમે 2-1થી જીતી લીધી હતી.
ઇયાન હિલી (Ian Healy) 61 વર્ષના છે. તેઓ 1988થી 1999 દરમ્યાન 119 ટેસ્ટ અને 168 વન-ડે રમ્યા હતા અને આ બે ફૉર્મેટમાં તેમણે કુલ મળીને 6,000-પ્લસ રન કર્યા હતા તેમ જ સ્ટમ્પ્સની પાછળથી 600 જેટલા શિકાર કર્યા હતા. તેમની ભત્રીજી અલીઝા હિલી (Alyssa Healy) 35 વર્ષની છે. કાકાની જેમ તે પણ વિકેટકીપર-બૅટર છે. તેણે 290 જેટલી આંતરરાષ્ટ્રીય મૅચમાં 6,500થી વધુ રન કર્યા છે અને સ્ટમ્પ્સની પાછળથી કુલ 280 શિકાર કર્યા છે.
ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કની પત્ની અલીઝા હિલી શુક્રવારે આ જ મેદાન પર 91 રન પર આઉટ થઈ ગઈ હતી અને પછી ભારતે એ મૅચ જીતી લીધી હતી.
રવિવારે રાધા યાદવના સુકાનમાં ઇન્ડિયા `એ’ ટીમે શેફાલી વર્માના બાવન રન અને વિકેટકીપર યાસ્તિકા ભાટિયાના 42 રનની મદદથી 216 રન કર્યા હતા. અલીઝા હિલીએ બે કૅચ ઝીલ્યા હતા. અલીઝા હિલી (137 અણનમ, 85 બૉલ, ત્રણ સિક્સર, ત્રેવીસ ફોર) અને સાથી ઓપનર તાહલિયા વિલ્સન (59 રન, 51 બૉલ, આઠ ફોર) સાથે 137 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. યજમાન ટીમે માત્ર 27.5 ઓવરમાં 1/222ના સ્કોર સાથે વિજય મેળવી લીધો હતો. ઑસ્ટ્રેલિયન ટીમની એકમાત્ર વિકેટ કૅપ્ટન રાધા યાદવે લીધી હતી.