કાનૂની નોટિસ કી ઐસી તૈસીઃ ફ્રૅન્ચાઇઝીના માલિકે મહત્ત્વના કાગળિયાં ફાડી નાખ્યા!

આ ટીમ 2021માં ચૅમ્પિયન બની હતી અને મોહમ્મદ રિઝવાન એનો કૅપ્ટન છે
કરાચીઃ એશિયા કપમાં ભારતના હાથે ત્રણ વખત પરાજિત થવાને કારણે ક્રિકેટજગતમાં તો પાકિસ્તાનની જબરદસ્ત નાલેશી થઈ જ છે, બીજા એવા કેટલાક બનાવો પણ બની રહ્યા છે જે ક્રિકેટ જગતને ચોંકાવી દે એવા છે. પાકિસ્તાનના સૈન્યએ થોડા દિવસ પહેલાં અફઘાનિસ્તાન પર કરેલા હવાઈ હુમલામાં અફઘાનના ત્રણ આશાસ્પદ ક્રિકેટરોના મૃત્યુ થયા હતા. હવે એક કિસ્સો એવો બહાર આવ્યો છે જેમાં ખુદ પાકિસ્તાન સુપર લીગ (PSL)ની જ નામોશી થઈ છે.
2021માં મોહમ્મદ રિઝવાનની કૅપ્ટન્સીમાં પીએસએલનું ટાઇટલ જીતનાર મુલતાન સુલતાન્સ (MULTAN SULTANS) નામની ટીમના માલિક અલી તરીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તરફથી મોકલવામાં આવેલી કાનૂની નોટિસ ફાડીને ફેંકી દીધી હતી. રિઝવાન હજી પણ આ ટીમનો સુકાની છે.

પીએસએલનું જે રીતે સંચાલન કરવામાં આવી રહ્યું છે એના પર પીસીબી વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ પીસીબીએ અલી તરીનને કાનૂની નોટિસ મોકલી હતી જેમાં તરીનને એવી ચેતવણી અપાઈ હતી કે જો તેઓ જાહેરમાં પીસીબી વિશેનું પોતાનું નિવેદન પાછું નહીં ખેંચે અને માફી નહીં માગે તો તેમને બ્લૅકલિસ્ટ કરી નાખવામાં આવશે તેમ જ તેમની ટીમનો કૉન્ટ્રૅક્ટ રદ કરી નાખવામાં આવશે.
અલી તરીન પાકિસ્તાનમાં બહુ મોટી હસ્તી છે. તેઓ શક્તિશાળી અને શ્રીમંત બિઝનેસ પરિવારના મેમ્બર છે અને પાકિસ્તાનના રાજકારણમાં પણ તેમના ફૅમિલીની બહુ વગ છે. પીસીબી વારંવાર પીએસએલની સફળતાનો ડંકો વગાડ્યા કરે છે, પરંતુ તરીને દર વખતે એની સામે સવાલ ઉઠાવ્યો છે. તાજેતરના એક પૉડકાસ્ટમાં તરીને ત્યાં સુધી કહ્યું હતું કે ` વિશ્વની તમામ ક્રિકેટ લીગમાં પીએસએલનું સ્થાન છેક પાંચમા-છઠ્ઠા સ્થાને છે. કારણ એ છે કે અક્ષમ લોકો આ ટૂર્નામેન્ટનું સંચાલન કરી રહ્યા છે.’
તરીને કાનૂની નોટિસ તો ફાડી જ નાખી, એક વીડિયોમાં પીસીબીની મજાક પણ ઉડાવી છે અને બહુમતી લોકોનો તેમને (તરીનને) ટેકો મળ્યો છે. તરીને એ વીડિયોમાં મજાકના મૂડમાં પીસીબીની માફી માગી અને છેલ્લે કાનૂની નોટિસ ફાડી નાખતાં બોલ્યા, ` જુઓ…આ છે મારું માફીનામું.’
પીસીબીને તરીનનું ફ્રૅન્ચાઇઝી વર્ષે 6.35 મિલિયન ડૉલરની ફી ચૂકવે છે. તરીનનું કહેવું છે કે તેમના ફ્રૅન્ચાઇઝીએ પીએસએલ સંબંધિત ક્રિકેટ પ્રવૃત્તિઓ પાછળ કુલ સાત અબજ પાકિસ્તાની રૂપિયાનો ખર્ચ કર્યો છે.
આ પણ વાંચો…પાકિસ્તાન સ્મોકિંગ લીગ: સુપરસ્ટાર ખેલાડી ડ્રેસિંગ રૂમમાં સિગારેટ પીતો પકડાઈ ગયો



