Alcaraz v/s Zverev Final: અલ્કારાઝ સ્કૂલમાંથી ભાગીને ટીવી પર ફ્રેન્ચ ઓપન જોવા બેસી જતો, રવિવારે એ જ સ્પર્ધાની ફાઇનલ રમશે

પૅરિસ: સ્પેનનો કાર્લોસ અલ્કારાઝ નાનો હતો ત્યારે સ્કૂલમાંથી ભાગીને ઘરે પાછો આવીને ફ્રેન્ચ ઓપન (French Open)ના મુકાબલા (ખાસ કરીને તેના જ દેશના લેજન્ડ રાફેલ નડાલની મૅચો) જોવા બેસી જતો હતો. રવિવારે 21 વર્ષનો અલ્કારાઝ તેની એ જ ફેવરિટ ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં રમવાનો છે. વિમ્બલ્ડન અને યુએસ ઓપનનું સિંગલ્સનું ટાઇટલ જીતી ચૂકેલો અલ્કારાઝ પહેલી વાર ફ્રેન્ચ ઓપનની ટ્રોફી જીતવા ઉત્સુક છે. તેનો નિર્ણાયક મુકાબલો જર્મનીના ઍલેક્ઝાંડર ઝવેરેવ સામે છે.
ઝ્વેરેવ ફ્રેન્ચ ઓપનના ટાઇટલની ક્યારેય નજીક નહોતો પહોંચી શક્યો, પણ રવિવારે એમાં જીતીને પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ મેળવવાની તેને સોનેરી તક મળી છે.
રાફેલ નડાલ નિવૃત્તિ લેવાની તૈયારીમાં છે ત્યારે તેના જ દેશનો અલ્કારાઝ પહેલી વાર પૅરિસમાં સમ્રાટ બનવાની ઘડી ગણી રહ્યો છે.
આ પણ વાંચો : French Open Tennis : નડાલ ‘છેલ્લી ફ્રેન્ચ ઓપન’માં પહેલા રાઉન્ડમાં જ હારી ગયો!
જો અલ્કારાઝ રવિવારે જીતશે તો વિમ્બલ્ડન અને યુએસ ઓપન ઉપરાંત ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ સૌથી નાની ઉંમરે (21 વર્ષ) જીતનારો ખેલાડી બની જશે.
ઝ્વેરેવ 2020માં યુએસ ઓપનમાં રનર-અપ બન્યો હતો, પણ હવે અહીં પૅરિસમાં રનર-અપ નહીં, પણ વિજેતા બનવા કોઈ કસર નહીં છોડે.
અલ્કારાઝ આ ટૂર્નામેન્ટમાં નંબર-થ્રી સીડેડ અને ઝ્વેરેવ નંબર-ફોર સીડેડ છે.