જૉકોવિચે હાર્યા પછી કબૂલ કર્યું, ‘ આ છોકરાઓ કમાલનું રમે છે’
ફાઈનલમાં અલ્કારાઝ અને સિનર વચ્ચે ટક્કર

ન્યૂ યોર્ક: સર્બીયાનો ભૂતપૂર્વ નંબર-વન ટેનિસ ખેલાડી નોવાક જૉકોવિચ ઘણા મહિનાઓથી 25મું ગ્રેન્ડ સ્લેમ ટાઈટલ જીતવા સંઘર્ષ કરી રહ્યો છે અને શુક્રવારે યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં સ્પેનના કાર્લોસ અલ્કારાઝ સામે હારી ગયા પછી તેણે આજની યુવા પેઢીના ટોચના બે ટેનિસ ખેલાડી (કાર્લોસ અલ્કારાઝ અને યાનિક સિનર)ના સર્વોચ્ચ સ્તરના પર્ફોર્મન્સને બિરદાવ્યા હતા.
બાવીસ વર્ષના અલ્કારાઝે (Alcaraz) શુક્રવારે યુએસ ઓપનની સેમિ ફાઈનલમાં 38 વર્ષના જૉકોવિચ (Djokovic)ને સળંગ સેટમાં હરાવી દીધો હતો.
અલ્કારાઝે જૉકોવિચને એક પણ સેટ નહોતો જીતવા દીધો. અલ્કારાઝે પ્રથમ સેટ 6-4થી જીતી લીધા બાદ બાકીના બે સેટ (Set) 7-6, 6-2થી જીતી લીધા હતા.
આ પણ વાંચો: સર્બિયાના જૉકોવિચને સ્પેનની મહાનગર પાલિકાએ દંડ કર્યો, કારણકે તેણે…
જૉકોએ મૅચ બાદ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ટેનિસમાં યુવા પેઢીના તેના ટોચના બે હરીફ ખેલાડીઓ અલ્કારાઝ અને યાનિક સિનર ખૂબ જ સારું રમી રહ્યા છે.
જૉકોએ વર્લ્ડ નંબર-વન સિનર અને નંબર-ટૂ અલ્કારાઝ વિશે એવું પણ કહ્યું કે, ‘ હું ચારમાંથી ત્રણ ગ્રેન્ડ સ્લેમ સેમિ ફાઈનલ આ બે યુવાન ખેલાડીઓ (અલ્કારાઝ અને સિનર) સામે હાર્યો છું. આટલા ઉચ્ચ સ્તરે તેઓ ખૂબ જ સારું રમી રહ્યા છે. ખરું કહું તો બીજા સેટ પછી હું ખૂબ થાકી ગયો હતો. ત્યાં સુધી તો હું અલ્કારાઝ સામે સારું રમ્યો, પણ પછી ખૂબ થાક્વા લાગ્યો અને તેણે સતત સારું રમીને મૅચ જીતી લીધી. સિનર પણ બહુ સારો ખેલાડી છે. હવે જુવાન ખેલાડીઓ સામે પાંચ સેટ સુધી રમવું બહુ મુશ્કેલ છે.’
દરમ્યાન બીજી સેમિ ફાઇનલમાં વર્લ્ડ નંબર-વન સિનરે ઓગર ઍલિયાસીમને 6-1, 3-6, 6-3, 6-4થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે ફાઇનલમાં નંબર-વન સિનર અને નંબર-ટૂ અલ્કારાઝ વચ્ચે ટક્કર થશે.