બાર્સેલોના 3-0થી જીત્યું, ત્રણેય ગોલ આ એક જ ફૂટબોલરે કર્યા!

વિટોરિયા-ગૅસ્ટિઝ (સ્પેન): અહીં લા લિગા લીગ નામની ફૂટબૉલ સ્પર્ધામાં મોખરાની ટીમ બાર્સેલોનાને રોબર્ટ લેવાન્ડૉવ્સ્કીએ હૅટ-ટ્રિક ગોલથી અલાવેઝ સામેની મૅચ 3-0થી જિતાડી આપી હતી. એે સાથે, પૉઇન્ટ્સ-ટેબલમાં બાર્સેલોનાની ટીમ મોખરે ટકી રહી છે અને બીજા નંબરની રિયલ મૅડ્રિડથી ત્રણ પૉઇન્ટ આગળ છે.

લેવાન્ડૉવ્સ્કીએ ફર્સ્ટ હાફમાં જ પચીસ મિનિટની અંદર ત્રણેય ગોલ કર્યા હતા. તેણે સાતમી, બાવીસમી અને 32મી મિનિટમાં ગોલ કર્યો હતો.
આ સ્પર્ધામાં તેણે નવ મૅચમાં કુલ 10 ગોલ કર્યા છે.
આ સીઝનમાં તેણે તમામ સ્પર્ધાઓ દરમ્યાન 11 મૅચમાં 12 ગોલ કર્યા છે. છેલ્લી પાંચ મૅચમાં તેણે આઠ ગોલ કરીને પોતાની ટીમને વિજય અપાવ્યા છે.

પોલૅન્ડના લેવાન્ડૉવ્સ્કીએ ગયા મંગળવારે ચૅમ્પિયન્સ લીગમાં યંગ બૉય્સ સામેની મૅચમાં બે ગોલ કરીને બાર્સેલોનાને 5-0થી જિતાડવામાં મોટું યોગદાન આપ્યું હતું.
એ અગાઉ, ઑસાસુના સામે બાર્સેલોનાએ 2-4થી પરાજય જોયો હતો. જોકે ત્યાર બાદ બાર્સેલોનાના પ્લેયર્સે પર્ફોર્મન્સ સુધારવાનો સંકલ્પ કર્યો અને પોતાની ટીમને ઉપરાઉપરી વિજય અપાવવા લાગ્યા છે.