સ્પોર્ટસ

અક્ષત રઘુવંશીઃ રોહિતની બૅટિંગ ફૉલો કરીને તેની જેમ લાંબી સિક્સર મારતા શીખ્યો

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આ વખતની હરાજીમાં ભારતના અનકૅપ્ડ (આંતરરાષ્ટ્રીય મૅચ ન રમ્યા હોય એવા ક્રિકેટર) ખેલાડીઓએ જે ધમાલ મચાવી એવી અગાઉ ક્યારેય નહોતી જોવા મળી, કારણકે રાજ્યોના ગામડા અને અજાણ્યા વિસ્તારોમાંથી ઊભરેલા અનેક ખેલાડીઓ આ વખતે કરોડપતિ બની ગયા છે અને અક્ષત રઘુવંશી એમાંનો એક છે. લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)એ તેને હરાજીમાં 30 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 2.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે રોહિત શર્માનો ડાઇ-હાર્ડ ફૅન છે અને તેની બૅટિંગ ફૉલો કરીને તેની જેમ લાંબી સિક્સર મારતા શીખી રહ્યો છે.

પિતા પાસે લીધી ક્રિકેટની તાલીમ

બાવીસ વર્ષનો અક્ષત મિડલ-ઑર્ડર બૅટ્સમૅન છે. તે મધ્ય પ્રદેશમાં પ્રખ્યાત અશોકનગર વિસ્તારમાં રહે છે. તેણે નાનપણમાં ક્રિકેટપ્રેમી પિતા કૃષ્ણપાલ સિંહ પાસે ક્રિકેટની તાલીમ લીધી હતી. અક્ષત પાંચ વર્ષનો હતો ત્યારે પિતા તેને મેદાનમાં લઈ જતા અને પોતે ક્રિકેટને લગતા જે કંઈ મૂળભૂત નિયમોથી વાકેફ હતા એને આધારે તેને બૅટિંગની તાલીમ આપી હતી. બૅટિંગ ઉપરાંત તેને ઑફ સ્પિન પણ શીખવ્યા હતા.

આ પણ વાંચો: રાતોરાત કરોડપતિ બની ગયેલો અનકૅપ્ડ પ્લેયર મુકુલ ચૌધરી કોણ છે?

11 વર્ષની ઉંમરે કલ્પના પણ નહીં કરી હોય

2009માં અક્ષત 11 વર્ષનો થયો ત્યારે આઇપીએલનું બીજું વર્ષ હતું. ત્યારે તેણે કલ્પના પણ નહીં કરી હોય કે 2025ના મિની ઑક્શનમાં આઇપીએલની ટીમનું ફ્રૅન્ચાઇઝી તેને રાતોરાત કરોડપતિ બનાવી દેશે. એલએસજીએ તેને મંગળવારે અબુ ધાબીની હરાજીમાં અન્ય ફ્રૅન્ચાઇઝીઓની હરીફાઈ વચ્ચે 2.20 કરોડ રૂપિયામાં મેળવી લીધો હતો. 2009માં તેના પિતાએ તેને ઇન્દોરની ક્રિકેટ ઍકેડેમીમાં ઍડવાન્સ તાલીમ માટે મોકલ્યો હતો. ત્યાર બાદ ટૅલન્ટને કારણે મધ્ય પ્રદેશની અન્ડર-14, અન્ડર-16, અન્ડર-19 અને અન્ડર-23 ટીમમાં સિલેક્ટ થતો ગયો હતો. મધ્ય પ્રદેશ પ્રીમિયર લીગમાં તેણે ચાર મૅચમાં 239 રન કર્યા હતા. તેણે એક ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં 12 સિક્સરની મદદથી 192 રન કર્યા હતા.

મહિલા ક્રિકેટર પછી પુરુષ ક્રિકેટર મળ્યો

મધ્ય પ્રદેશમાં સાગર ક્રિકેટ ડિવિઝન પ્રખ્યાત છે અને આઠ મહિના પહેલાં આ જ ડિવિઝનની ક્રાંતિ ગૌડ નામની પેસ બોલર ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મળી હતી. નવેમ્બરમાં ભારતે નવી મુંબઈમાં પ્રથમ મહિલા વર્લ્ડ કપ ટ્રોફી જીતી લીધી એ જીતમાં ક્રાંતિ ગૌડનું મહત્ત્વનું યોગદાન હતું. તે મહિલાઓ માટેની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ) વતી પણ રમી છે. અક્ષત રઘુવંશી એ જ ડિવિઝનનો છે અને મેન્સ ટીમનો કૅપ્ટન છે. આ ડિવિઝન તરફથી હવે આઇપીએલને અક્ષતના રૂપમાં બીજો ખેલાડી મળ્યો છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button