પેસ બોલર આકાશ દીપને ઇંગ્લૅન્ડના કોચે કેમ ચેતવણી આપી? પૉન્ટિંગ કેમ મારવાની વાતો કરે છે? | મુંબઈ સમાચાર

પેસ બોલર આકાશ દીપને ઇંગ્લૅન્ડના કોચે કેમ ચેતવણી આપી? પૉન્ટિંગ કેમ મારવાની વાતો કરે છે?

લંડનઃ ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી માટે રમાતી ટેસ્ટ-સિરીઝની પહેલી ચાર મૅચમાં બ્રિટિશ ખેલાડીઓએ ભારતીયોને ઉશ્કેર્યા અને તેમની મજાક પણ ઉડાવી અને રહી-રહીને ઓવલ (Oval)ની વર્તમાન ટેસ્ટ (Test)ના આરંભ પહેલાં ગૌતમ ગંભીરના કોચિંગ-સ્ટાફને પિચ ક્યૂરેટર લી ફૉર્ટિસે પિચથી 2.5 મીટર દૂર રહેવાની સૂચના આપીને તેમનું અપમાન કર્યું, પરંતુ હવે જ્યારે પેસ બોલર આકાશ દીપે (Akash Deep) ઓપનર બેન ડકેટ (Ben Duckett) સાથે મૈત્રીભાવે હસતાં-હસતાં હળવી મજાક કરી ત્યારે બ્રિટિશ ટીમના સહાયક-કોચ માર્કસ ટ્રેસ્કોથિકના પેટમાં દુખ્યું છે. એટલું જ નહીં, કૉમેન્ટરી-બૉક્સમાંથી રિકી પૉન્ટિંગે તો ત્યાં સુધી કહ્યું હતું કે ` હું આવી મજાક ન ચલાવું. હું જો ડકેટની જગ્યાએ હોત તો મેં આકાશને એક પંચ લગાવી દીધો હોત.’

ડકેટે પડકાર્યો, આકાશે આઉટ કર્યો!

ઓપનિંગ બૅટ્સમૅન બેન ડકેટે 66 મિનિટ સુધી ક્રીઝમાં રહીને 38 બૉલમાં બે સિક્સર અને પાંચ ફોરની મદદથી 43 રન કર્યા હતા. ડકેટને આકાશ દીપે વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથમાં કૅચઆઉટ કરાવી દીધો ત્યાર બાદ ડકેટ પૅવિલિયન તરફ પાછો જઈ રહ્યો હતો ત્યારે આકાશ તેની પાસે ગયો હતો અને તેના ખભા પર હાથ રાખીને તેની સાથે કંઈક વાતચીત કરીને તેને સૅન્ડ-ઑફ આપ્યું હતું. વાત એવી છે કે સિરીઝની શરૂઆતમાં પણ ડકેટ અને આકાશ વચ્ચે બોલાચાલી થઈ હતી. શુક્રવારે આકાશની બોલિંગમાં ડકેટે બે વખત સ્કૂપ શૉટમાં ફોર પણ ફટકારી હતી. તેમની વચ્ચે ફરી એકવાર બોલાચાલી થઈ જેમાં સ્ટમ્પ માઇક્રોફોનમાં આકાશને ડકેટ એવું કહેતો સંભળાયો હતો કે ` તું મને આઉટ કરી જ નહીં શકે.’ જોકે લૉર્ડ્સ ટેસ્ટની જેમ અહીં ઑલ્ડ ટ્રેફર્ડમાં પણ ડકેટને આઉટ કરવામાં આકાશને સફળતા મળી હતી. તેણે વિકેટકીપર જુરેલને તેનો કૅચ અપાવ્યો હતો.

આ પણ વાંચો: મેં તો રૂટના વખાણ કર્યા, પણ તે મને ગાળ આપવા લાગ્યો: પ્રસિદ્ધ ક્રિષ્ના

મારા સમયમાં હું આવું સાંખી ન લેતઃ ટ્રેસ્કોથિક

ટ્રેસ્કોથિકે આકાશ દીપને બેન ડકેટ કે અન્ય કોઈ પણ બ્રિટિશ ખેલાડી સાથે આવું ન કરવાની ચેતવણી આપી છે. એટલું જ નહીં, ભૂતપૂર્વ બ્રિટિશ ઓપનર ટ્રેસ્કોથિકે ત્યાં સુધી કહ્યું છે કે મારા સમયમાં જો મારી સાથે કોઈ હરીફ ટીમના બોલરે આવું કર્યું હોત તો મેં એક લગાવી જ દીધી હોત.’ આકાશ દીપના બેન ડકેટ સાથેના વર્તનથી ટ્રેસ્કોથિક ખફા છે અને તેણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું છે કે મારા સમયમાં આવું બન્યું હોત તો હું તો શું, બીજા ઘણા ખેલાડીઓએ આવું વર્તન કરનાર બોલરને એક ઝાપટ જ મારી દીધી હોત. કોઈ બોલર કોઈ બૅટ્સમૅનને આઉટ કર્યા બાદ તેની સાથે આવું કરે એવું મેં તો અગાઉ ક્યારેય નહોતું જોયું.’ માર્કસ ટ્રેસ્કોથિકે આકાશ દીપ માટે ચેતવણી આપતા સૂરમાં કહ્યું છે કે ` ખબરદાર, હવે પછી અમારા કોઈ પણ ખેલાડી સાથે આવું વર્તન નહીં કરતો.’

સ્લેજિંગના ચૅમ્પિયન પૉન્ટિંગે કહ્યું કે…

ભૂતકાળમાં હરીફ ખેલાડીઓ (ખાસ કરીને ભારતીયો) સામે સ્લેજિંગ કરવામાં ચૅમ્પિયન ભૂતપૂર્વ કૅપ્ટન અને દર વર્ષે આઇપીએલમાં અઠવાડિયાઓ સુધી ભારતમાં પડ્યા-પાથર્યા રહીને ભારતીય હોટેલોની રૅસ્ટોરાંમાં પેટ ભરનાર અને કરોડો રૂપિયાની કમાણી કરનાર રિકી પૉન્ટિંગે શુક્રવારે ઓવલ સ્ટેડિયમના કૉમેન્ટરી-બૉક્સમાંથી જણાવ્યું હતું કે ` બેન ડકેટને આઉટ કર્યા પછી આકાશ દીપે તેની સાથે ચાલીને તેના ખભા પર હાથ મૂકીને તેને જે રીતે સૅન્ડ-ઑફ આપ્યું એવું સામાન્ય રીતે રસ્તાની કે સ્થાનિક મેદાનોની ક્રિકેટ મૅચોમાં બનતું હોય છે, પરંતુ ટેસ્ટ-મૅચમાં આવું વર્તન ન ચાલે. મારી સાથે જો કોઈ બોલરે આકાશ જેવું વર્તન કર્યું હોત તો મેં તેને એક પંચ જ મારી દીધો હોત.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button