પાંચ છગ્ગા અને અગિયાર ચોક્કા સાથે 98 રન, રહાણેની તોફાની ઇનિંગ્સથી મુંબઈ ફાઇનલમાં
પંડ્યા બંધુઓની ટીમ સેમિ ફાઇનલમાં છ વિકેટે હારી ગઈ

બેન્ગલૂરુઃ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 ટૂર્નામેન્ટમાં મુંબઈએ શુક્રવારે બરોડાને છ વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. અજિંક્ય રહાણે (98 રન, 56 બૉલ, પાંચ સિક્સર, અગિયાર ફોર)ની તોફાની ઇનિંગ્સ સામે કૃણાલ પંડ્યાના નેતૃત્વવાળી બરોડાની ટીમનું કંઈ નહોતું ચાલ્યું. હાર્દિક પંડ્યા માત્ર ઓપનર પૃથ્વી શો (8 રન)ની વિકેટ લઈ શક્યો હતો અને સ્ટાર ખેલાડીઓવાળી બરોડાની ટીમ સુપરસ્ટાર પ્લેયર્સવાળી મુંબઈની ટીમ સામે પરાજિત થઈ હતી.
બેન્ગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મુંબઈએ બૅટિંગ આપ્યા બાદ બરોડાએ 20 ઓવરમાં સાત વિકેટે 158 રન બનાવ્યા હતા. ઓપનર શાશ્વત રાવત (33 રન) અને અભિમન્યુસિંહ રાજપૂત (નવ રન) વચ્ચે મોટી ભાગીદારીની આશા હતી, પરંતુ 23મા રને રાજપૂતે વિકેટ ગુમાવી દેતાં ભાગીદારી તૂટી હતી. કૅપ્ટન કૃણાલ પંડ્યા વનડાઉનમાં આવ્યો હતો અને તેની તથા સાશ્વત વચ્ચેની 50 રનની ભાગીદારી સૂર્યાંશ શેડગેએ તોડી હતી અને ત્યાર પછી બીજી કોઈ જ મોટી પાર્ટનરશિપ નહોતી થઈ શકી.
મુંબઈના બોલર્સમાં શેડગેની બે વિકેટ ઉપરાંત પાંચ બોલરે (મોહિત અવસ્થી, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, તનુશ કોટિયન, અથર્વ અંકોલેકર) એક-એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચો : આજે ટી-20 ટૂર્નામેન્ટમાં મુંબઈ, સૌરાષ્ટ્ર, બરોડામાંથી કોણ પહોંચશે સેમિ ફાઈનલમાં?
મુંબઈએ પૃથ્વી (આઠ રન) અને રહાણે વચ્ચેની 30 રનની સાધારણ ભાગીદારી સાથે શરૂઆત કરી હતી, પરંતુ રહાણે અને કૅપ્ટન શ્રેયસ ઐયર (46 રન, 30 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 56 બૉલમાં 88 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. ત્યાર પછી રહાણે અને સૂર્યકુમાર યાદવ (સાત બૉલમાં એક રન) વચ્ચે 27 બૉલમાં 40 રનની ભાગીદારી થઈ હતી જેનાથી બરોડાની જીતની આશા પર પાણી ફરી વળ્યું હતું. મુંબઈએ 159 રનના લક્ષ્યાંક સામે 17.2 ઓવરમાં ચાર વિકેટે 164 રન બનાવીને શાનદાર વિજય મેળવી લીધો હતો.
બરોડા વતી હાર્દિક ઉપરાંત અતિત શેઠ, રાજપૂત અને શાશ્વતે એક-એક વિકેટ લીધી હતી.
અજિંક્ય રહાણેને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.