અજિંક્ય નાઇક મુંબઈ ક્રિકેટ અસોસિયેશનના યંગેસ્ટ પ્રમુખ બન્યા
મુંબઈ: 37 વર્ષના અજિંક્ય નાઇક મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (એમસીએ)ના નવા અને સૌથી યુવાન પ્રમુખ બન્યા છે. તેમણે હરીફ ઉમેદવાર સંજય નાઇકને 107 મતથી હરાવ્યા હતા.
અમોલ કાળે આ અગાઉ એમસીએના પ્રમુખ હતા. જોકે 10મી જૂને ન્યૂ યૉર્કના સ્ટેડિયમમાં ટી-20 વર્લ્ડ કપની મૅચ જોયા બાદ તેમનું અવસાન થયું હતું અને તેમના હોદ્દા માટે ચૂંટણી થઈ હતી જેમાં અજિંક્ય નાઇકને 221 મત અને સંજય નાઇકને 114 મત મળ્યા હતા.
આ ચૂંટણી વાનખેડે સ્ટેડિયમ સ્થિત એમસીએ ખાતે યોજાઈ હતી જેમાં અજિંક્ય નાઇક અને સંજય નાઇક વચ્ચે મુખ્ય હરીફાઈ હતી.
આ પણ વાંચો : F-1 ગ્રાં પ્રિને મળ્યો એકવીસમી સદીમાં જન્મેલો પ્રથમ વિજેતા: તે ક્રિકેટ-ક્રેઝી પણ છે
અજિંક્ય નાઇક આ પહેલાં એમસીએના સેક્રેટરી હતા. જોકે તેઓ પ્રમુખપદ માટેની ચૂંટણીમાં ઊભા રહ્યા અને 107 મતથી વિજયી થયા છે. અજિંક્ય નાઇકે તાજેતરમાં જ મુંબઈના ક્રિકેટર્સ માટે સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટની હિમાયત કરી હતી.
એમસીએ દ્વારા ટ્વિટર પર આ ચૂંટણીના પરિણામને લગતી વિગત શૅર કરવામાં આવી હતી અને એમાં લખ્યું હતું, ‘એમસીએની ચૂંટણીમાં નવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવવા બદલ અમે અજિંક્ય નાઇકને હાર્દિક અભિનંદન આપીએ છીએ.’
2022ની ચૂંટણીમાં અજિંક્ય નાઇકે સેક્રેટરીપદ માટે ઉમેદવારી નોંધાવી હતી ત્યારે તમામ જૂથોએ તેમને સપોર્ટ કર્યો હતો અને તેમને વિક્રમજનક 286 મત મળ્યા હતા.