
બર્મિંગમ: ભારતના પીઢ ક્રિકેટરોએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (WCL)માં દુશ્મન-દેશ પાકિસ્તાન (Pakistan)ના ખેલાડીઓ સામેની મૅચ રમવાની ના પાડી દીધી ત્યાર બાદ હવે આ ટૂર્નામેન્ટના સહ-માલિક અને બૉલિવૂડના ઍક્ટર અજય દેવગન (Ajay Devgan)નો પાકિસ્તાનના ખેલાડી શાહિદ આફ્રિદી (Shahid Afridi) સાથેનો મૈત્રીભરી વાતચીતવાળો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
ડબલ્યૂસીએલની આ બીજી સીઝન (second season) છે. 2024ની પ્રથમ સીઝનની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવીને સૌપ્રથમ ટ્રોફી જીતી લીધી હતી.
મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં ભારતે પાકિસ્તાનને ત્રણ જ દિવસમાં હરાવી દીધું હતું. પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનો કૉલ આવતાં ભારતે એના મથકો પરના હુમલા બંધ કર્યા હતા.
ભારતના કરોડો ક્રિકેટ ક્રિકેટપ્રેમીઓમાં પાકિસ્તાન વિશે જબરદસ્ત આક્રોશ હોવા છતાં ડબલ્યૂસીએલના આયોજકોએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ રાખી હતી. જોકે શિખર ધવન, હરભજન સિંહ સહિતના ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનની ટીમ સામે રમવાની ના પાડી દેતાં રવિવારની એ મૅચ રદ કરવામાં આવી હતી.
અજય દેવગનનો આફ્રિદી સાથેની મેદાન પરની વાતચીતનો વીડિયો અને ફોટો જે સમયે વાયરલ થયા છે એને પગલે ભારતમાં અજય દેવગનની ખૂબ ટીકા થઈ રહી છે.
શાહિદ આફ્રિદીએ ભૂતકાળમાં ભારતના સશસ્ત્ર સૈનિકોની વિરુદ્ધમાં તેમ જ પાકિસ્તાન પ્રત્યેના ભારતના અભિગમની ખૂબ ટીકા કરી એને ધ્યાનમાં લઈને સોશિયલ મીડિયામાં તેની સાથેની મેદાન પરની વાતચીત બદલ અજય દેવગનને ખૂબ વખોડવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, અજય દેવગનની આગામી ફિલ્મ ‘ સન ઑફ સરદાર-ટૂ’નો બહિષ્કાર કરવાની માગ પણ મીડિયામાં ફેલાઈ છે.
જોકે અફવાઓ વચ્ચે હકીકતની તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે ઇંગ્લૅન્ડના એજબૅસ્ટનના મેદાન પરનો અજય દેવગન અને શાહિદ આફ્રિદી વચ્ચેની વાતચીતનો વિડીયો અને ફોટો 2025ની સાલના નહીં, પરંતુ 2024માં બંને દેશ વચ્ચે રમાયેલી ફાઈનલ મૅચ સમયના છે.
2024 માં ડબલ્યુસીએલની ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ વખતે પણ આ ટૂર્નામેન્ટનો કો-ઓનર અજય દેવગન સ્ટેડિયમમાં હાજર હતો અને ત્યારે તેણે આફ્રિદી સાથે ચર્ચા કરી હતી. આ વીડિયો અને ફોટોને બંને દેશ વચ્ચેની વર્તમાન રાજકીય સ્થિતિ સાથે કંઈ જ લેવાદેવા નથી.