એઇડન માર્કરમની ટીમ સતત બીજી વાર શેમાં ચૅમ્પિયન બની?
કેપ ટાઉન: 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) શરૂ થઈ ત્યાર બાદ પહેલી બે સીઝનમાં વિદેશી કૅપ્ટન (શેન વૉર્ન, ઍડમ ગિલક્રિસ્ટ) ચૅમ્પિયન બન્યા હતા અને બે ભારતીય કૅપ્ટને (એમએસ ધોની, અનિલ કુંબલે) ફાઇનલની હારને કારણે નિરાશ થવું પડ્યું હતું, પરંતુ સાઉથ આફ્રિકાની ટી-20 લીગ ટૂર્નામેન્ટમાં એવું નથી બન્યું. પહેલી બન્ને સીઝનમાં સાઉથ આફ્રિકાનો જ એઇડન માર્કરમ ટાઇટલ જીતવામાં સફળ રહ્યો છે.
2023ના ફેબ્રુઆરીમાં એસએ20 નામની આ સ્પર્ધાની પ્રથમ સીઝનની ફાઇનલમાં માર્કરમના સુકાનમાં સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ નામની ટીમે સાઉથ આફ્રિકાના જ વેઇન પાર્નેલની પ્રીટોરિયા કૅપિટલ્સને ચાર વિકેટે હરાવીને એસએ20ના ઇતિહાસમાં પ્રથમ ચૅમ્પિયન ટીમ તરીકેનું નામ અંકિત કર્યું હતું.
માર્કરમની કૅપ્ટન્સીની ત્યારે ખૂબ વાહ-વાહ થઈ હતી. રવિવારે તેના સુકાનની સફળતાનો ગ્રાફ નવી ઊંચાઈએ પહોંચ્યો હતો જ્યારે તેની ટીમે સતત બીજી સીઝનમાં પણ ટાઇટલ જીતી લીધું હતું. સાઉથ આફ્રિકાનો જ રૉલોફ વૅન ડર મર્વ પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ ઘોષિત થયો હતો.
સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપે ડર્બન્સ સુપર જાયન્ટ્સ ટીમને ફાઇનલમાં 89 રનથી હરાવીને સતત બીજું ટાઇટલ જીતી લીધું હતું. આ વખતે પણ માર્કરમ વિજેતા સુકાની હતો અને તેના જ દેશનો કેશવ મહારાજ રનર-અપ કૅપ્ટન હતો. ઇતિહાસનું પુનરાવર્તન થતું જ હોય છે…આ વખતની એસએ20માં પણ સાઉથ આફ્રિકાનો ખેલાડી પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટનો પુરસ્કાર જીત્યો હતો અને એ સન્માન હિન્રીચ ક્લાસેનને મળ્યું હતું.
ફાઇનલમાં સનરાઇઝર્સે ખુદ માર્કરમના અણનમ 42 તેમ જ વિકેટકીપર ટ્રિસ્ટેન સ્ટબ્સ (અણનમ 56) અને ટૉમ ઍબેલ (પંચાવન રન) તેમ જ ઓપનર જોર્ડન હર્મેન (42 રન)ના યોગદાનોની મદદથી 20 ઓવરમાં ત્રણ વિકેટે 204 રન બનાવ્યા હતા. ડર્બનની ટીમ જવાબમાં 17 ઓવરમાં ફક્ત 115 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. સનરાઇઝર્સના સાઉથ આફ્રિકન બોલર માર્કો યેન્સેને પાંચ વિકેટના તરખાટથી સનરાઇઝર્સને વહેલો વિજય અપાવ્યો હતો.