
અમદાવાદઃ દેશના માત્ર સ્પોર્ટ્સ સિટી તરીકે જ નહીં, ખેલકૂદની રાજધાની તરીકે ઊભરી રહેલા અમદાવાદ શહેર માટે છ વર્ષ પછી અનેરા આનંદનો અવસર આવી રહ્યો છે. 2030ની સાલમાં કૉમનવેલ્થ ગેમ્સ ગુજરાતના આ પ્રતિષ્ઠિત શહેરમાં યોજાશે એ લગભગ નક્કી થઈ ગયું છે. 2030માં આ વિશ્વવિખ્યાત રમતોત્સવને 100 વર્ષ પૂરા થશે અને એ શતાબ્દિ મહોત્સવનો લાભ અમદાવાદ (Ahmedabad)ને મળશે.
બ્રિટિશરોએ જે દેશો પર રાજ કર્યું હતું એ લગભગ તમામ એટલે કે 71 દેશ કૉમનવેલ્થ દેશ તરીકે ઓળખાય છે અને આ 71 દેશ તેમ જ ખુદ બ્રિટન એમ કુલ મળીને 72 દેશ વચ્ચે દર ચાર વર્ષે કૉમનવેલ્થ ગેમ્સ યોજાય છે અને 2030ની આ ગેમ્સનું યજમાન બનવાનો અનેરો અવસર અમદાવાદને મળી રહ્યો છે. ભારત સરકારે કૉમનવેલ્થ ગેમ્સના મોવડીઓ સમક્ષ અમદાવાદનું નામ રજૂ કર્યું હતું એના પર કૉમનવેલ્થના સત્તાધીશોની મંજૂરી મળી જવાની તૈયારીમાં છે.
આ પણ વાંચો : કાંદિવલીનો ગુજરાતી ટેબલ ટેનિસ ખેલાડી જશ મોદી નૅશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો
ઉલ્લેખનીય છે કે ક્રિકેટજગતનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં છે.
કૉમનવેલ્થના એક્ઝિક્યૂટિવ બોર્ડે નાઇજિરિયાનું નામ બાજુ પર રાખીને અમદાવાદના નામની ભલામણ કરી છે. આ ભલામણ પર આગામી 26મી નવેમ્બરે કૉમનવેલ્થની જનરલ બૉડીમાં નિર્ણય લેવામાં આવશે. પ્રથમ કૉમનવેલ્થ ગેમ્સ 1930માં કૅનેડામાં યોજાઈ હતી. 2030માં કૉમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ પૂરાં થશે અને એના આયોજનનો અવસર અમદાવાદને મળશે. નાઇજિરિયા (Nigeria)ને 2034ના રમતોત્સવનું આયોજન અપાશે એવી સંભાવના છે. ભારતમાં અગાઉ 2010માં દિલ્હીમાં કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન થયું હતું.
આ પણ વાંચો : અમદાવાદ ઑલિમ્પિક્સ’ સૌથી મોંઘી કહેવાશે
છેલ્લે 2022માં આ રમતોત્સવ ઇંગ્લૅન્ડના બર્મિંગમમાં યોજાયો હતો જેમાં 72 દેશના કુલ 4,822 ઍથ્લીટો-ખેલાડીઓએ ભાગ લીધો હતો અને 20 રમતમાં કુલ 283 ઇવેન્ટ યોજાઈ હતી. ભારત એ રમતોત્સવમાં બાવીસ ગોલ્ડ સહિત કુલ 61 મેડલ સાથે ચોથા નંબર પર રહ્યું હતું. ઑસ્ટ્રેલિયા (179 મેડલ) પ્રથમ નંબરે, ઇંગ્લૅન્ડ (176 મેડલ) બીજા નંબરે અને કૅનેડા (92 મેડલ) ત્રીજા નંબરે હતું. 2026ની કૉમનવેલ્થ ગેમ્સ સ્કૉટલૅન્ડના ગ્લાસ્ગો શહેરમાં યોજાશે.