અમદાવાદમાં રમતા આ ખેલાડીને કોહલીના સ્થાને રમવા માટે ઓચિંતુ તેડું આવ્યું

અમદાવાદ: વિરાટ કોહલીએ બે દિવસ પહેલાં અંગત કારણસર ઇંગ્લૅન્ડ સામેની પહેલી બે ટેસ્ટમાં ન રમવાની જાહેરાત કરી ત્યારે મધ્ય પ્રદેશના 30 વર્ષના રાઇટ-હૅન્ડ બૅટર રજત પાટીદારને પૂરી ખાતરી નહીં હોય કે કોહલીના સ્થાને ભારતની ટેસ્ટ-સ્ક્વૉડમાં તેને જગ્યા આપવામાં આવશે. જોકે બુધવારનો દિવસ તેના માટે શુકનિયાળ કહેવાશે, કારણકે કોહલીના સ્થાન માટે ટેસ્ટ-સ્પેશિયાલિસ્ટ ચેતેશ્ર્વર પુજારા, અભિમન્યુ ઈશ્ર્વરન, બી. સાંઇ સુદર્શન અને સરફરાઝ ખાન સહિતના ચાર હરીફ દાવેદારો વચ્ચે સિલેક્ટરોએ તેના પર કળશ ઢોળ્યો છે. પાટીદારને પસંદગીકારોએ ટીમમાં કોહલીની ખાલી પડેલી જગ્યામાં સામેલ કર્યો છે. પાટીદાર અમદાવાદમાં ઇંગ્લૅન્ડ લાયન્સ સામે રમી રહેલી ઇન્ડિયા ‘એ’ ટીમમાં હતો અને તેને કૉલ આવતાં તે તાબડતોબ હૈદરાબાદ પહોંચી ગયો છે જ્યાં ગુરુવારે ઇંગ્લૅન્ડ સામે પ્રથમ ટેસ્ટ શરૂ થઈ રહી છે.
ભારત વતી એક વન-ડે રમી ચૂકેલા પાટીદારને હવે ટેસ્ટ-ટીમમાં ડેબ્યૂ કરાવવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે તેણે ગયા અઠવાડિયે તેણે અમદાવાદમાં ઇંગ્લૅન્ડ લાયન્સ સામેની બિનસત્તાવાર ટેસ્ટ મૅચમાં પ્રથમ દાવમાં માત્ર 158 બૉલમાં પાંચ સિક્સર અને ઓગણીસ ફોરની મદદથી 151 રન બનાવીને ઇન્ડિયા ‘એ’ ટીમની આબરૂ સાચવી હતી. તે એકલો ઇંગ્લિશ લાયન્સના મૅથ્યુ પૉટ્સ સહિતના બોલરો સામે લડ્યો હતો અને 95.56ના સ્ટ્રાઇક-રેટ સાથે દોઢસો રન બનાવ્યા હતા. એ મૅચ ડ્રૉમાં ગઈ એમાં પાટીદારનું બહુ મોટું યોગદાન હતું. એની પહેલાંના અઠવાડિયે પાટીદારે આ જ હરીફો સામે 111 રન બનાવીને એ મૅચ પણ ડ્રૉ કરાવડાવી હતી. હવે જેનું ટેમ્પરામેન્ટ ટેસ્ટ માટે આ રીતે બંધબેસતું હોય અને ડોમેસ્ટિક મૅચોમાં તેમ જ આઇપીએલમાં (રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર) વતી અનેક ધમાકેદાર ઇનિંગ્સ રમી ચૂક્યો હોય તેને ટીમ ઇન્ડિયામાં કોઈને કોઈ રીતે સામેલ કરવા માટેનો સમય આવી જ ગયો હતો.
પાટીદાર ફર્સ્ટ-કલાસ ક્રિકેટમાં 45.97ની બૅટિંગ સરેરાશે 4000થી પણ વધુ રન બનાવી ચૂક્યો છે જેમાં 12 સેન્ચુરીનો સમાવેશ છે. જૂન 2022માં પાટીદારના પ્રતાપે જ મધ્ય પ્રદેશને ફાઇનલમાં મુંબઈ સામે શાનદાર વિજય અપાવ્યો હતો અને રણજી ટાઇટલ અપાવ્યું હતું. એ રણજી સીઝનમાં પાટીદારના 658 રન (મુંબઈના સરફરાઝ ખાનના 982 રન પછી) સેક્ધડ-હાઇએસ્ટ હતા. હવે પાટીદારે આટલા લાંબા ઇન્તેજાર પછી ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવ્યું છે તો ત્રીજા કે ચોથા ક્રમે બૅટિંગ મળે ત્યારે પાણી બતાવી દેવું પડશે. તે આ મોકો નહીં જવા દે અને ટીમમાં સ્થાન પાકું કરી લેશે તો સમય જતાં વન-ડે કે ટી-20 ટીમમાં પણ જગ્યા બનાવી શકશે.