
નવી દિલ્હીઃ ભારતનો ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અને 2011ના વર્લ્ડ કપના સુપરસ્ટાર યુવરાજ સિંહને ગેરકાનૂની ઑનલાઇન બેટિંગ (સટ્ટાબાજી) પ્લૅટફૉર્મ સાથે સંકળાયેલા એક કિસ્સામાં પૂછપરછ માટે બોલાવવામાં આવતાં તે એન્ફૉર્સમેન્ટ ડિરેકટોરેટ (ED)ના મુખ્યાલયમાં પહોંચી ગયો છે. યુવી પહેલાં આ મામલામાં રૉબિન ઉથપ્પા, સુરેશ રૈના અને શિખર ધવનની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
યુવરાજ (Yuvraj)ની પૂછપરછ 1×Bet નામની ઍપ સાથે સંકળાયેલા મની લૉન્ડરિંગ કેસમાં થઈ રહી છે. કાળા નાણાને ધોળા કરવા સંબંધિત કેસમાં ઇડીએ આ લોકપ્રિય ક્રિકેટરને નોટિસ મોકલી હતી.
ઑનલાઇન બેટિંગ સંબંધમાં અત્યાર સુધીમાં ઘણા ક્રિકેટરો ઉપરાંત સોનુ સૂદ સહિત બૉલીવૂડના અનેક સિતારાઓની પૂછપરછ થઈ ચૂકી છે અને બીજા એવા કેટલાક જાણીતા નામ છે જેમને પૂછપરછ માટે બોલાવવામાં આવશે એવી સંભાવના છે. ઇડી આ હસ્તીઓની પૂછપરછ કરીને મની લૉન્ડરિંગના કિસ્સાઓમાં તેમની કોઈ ભૂમિકા હતી કે નહીં અને હતી તો કેટલી હતી એ જાણવા માગે છે.
આ ચર્ચાસ્પદ ઍપ (1×BET) આ હસ્તીઓ થકી પ્રમોશન, સંપર્ક સ્ત્રોત તથા પૈસા વિશેની વિગતો એકઠી કરવા માગતી હોવાનું જાણવા મળતાં ઇડી વારાફરતી તેમને બોલાવે છે.
ઇડીને શું શંકા છે?
યુવરાજને બોલાવ્યા બાદ ઇડી હવે તપાસ કરશે કે તે આ ઍપ સાથે કેવી રીતે સંકળાયેલો છે, કોણે-કોણે તેનો સંપર્ક કર્યો હતો અને તેના પૈસાનું રોકાણ કેવી રીતે થયું હતું. ઇડીને શંકા છે કે સેલિબ્રિટીઓના એન્ડૉર્સમેન્ટને લીધે આ પ્લૅટફૉર્મ (1×BET)ની લોકપ્રિયતા વધારવામાં મોટી ભૂમિકા ભજવી છે જેને પગલે રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
1×BET ઍપ શું છે?
આ ઍપ ઑનલાઇન સટ્ટાબાજી સાથે સંકળાયેલી ઍપ તરીકે ઓળખાય છે. આ ઍપ ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન કરીને ગેરકાનૂની સટ્ટા સંબંધિત ગતિવિધિઓમાં વ્યસ્ત હોવાનું મનાય છે. ઇડીએ આ ઍપની નાણાકીય લેવડદેવડ, કરચોરી તથા તેના ડેટા સુરક્ષા વિશેના કથિત ઉલ્લંઘન સંબંધિત તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો…યુવરાજ સિંહ, સોનુ સુદ અને રોબિન ઉથપ્પાને EDનું સમન્સ, આ મામલે થઇ રહી છે કાર્યવાહી