
મુંબઈ: ક્રિકેટ અત્યંત રોમાંચક રમત છે અને તેમાં પણ કોઇપણ રમત હોય તેમાં રેફરી કે પછી અમ્પાયરની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા હોય છે. જોકે, માણસ માત્ર ભૂલને પાત્ર એ કહેવત તો બધે જ લાગુ થાય. ક્રિકેટની દુનિયામાં તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો, જેમાં વિકેટ કિપરે કેચ ડ્રોપ કર્યા પછી અમ્પાયરે આઉટ આપ્યો હતો.
કર્નલ સી. કે. નાયડુ ટ્રોફીની મેચ વખતે અમ્પાયર દ્વારા થયેલી ભૂલની ખૂબ જ ફિરકી લેવામાં આવી હતી. આ ભૂલ થયા પછી અનેક યૂઝરે સોશિયલ મીડિયા પર અમ્પાયરની જોરદાર ઝાટકણી કાઢી હતી, જ્યારે અમુક લોકોએ મજા પણ લીધી હતી.

કર્ણાટક અને ઉત્તર પ્રદેશ વચ્ચે રમાઇ રહેલી મેચ દરમિયાન આ ઘટના બની હતી. કર્ણાટકના ઓપનર પ્રખર ચતુર્વેદીને અમ્પાયરે કેચ આઉટ આપ્યો હતો. પ્રખર ચતુર્વેદીના બેટને અડીને બોલ સીધો વિકેટ કિપરના હાથમાં ગયો હતો.
જોકે, વિકેટ કિપરે આ કેચ છોડી દીધો હોવા છતાં ઓન ફિલ્ડ અમ્પાયરે તેને આઉટ દીધો હતો. બોલર શુભમ મિશ્રાના બોલ ઉપર ચતુર્વેદી કોટ બિહાઇન્ડ થયો હતો. વિકેટ કિપર આરાધ્ય યાદવ ડાબી બાજુ કૂદીને કેચ પકડવાનો પ્રયાસ કરે છે. જોકે, જમીન ઉપર પડ્યા બાદ તેનાથી બોલ છૂટી જાય છે.
બોલ યાદવના હાથમાંથી પડી ગયો હોવાનું સ્પષ્ટ દેખાતું હોેવા છતાં ઓન ફિલ્ડ અમ્પાયરે ચતુર્વેદીને આઉટ આપ્યો હતો. જેના કારણે ચતુર્વેદીએ તેત્રીસ રનના સ્કોર ઉપર પેવિલિયન પાછું જવું પડ્યું હતું. રિપ્લેમાં કેચ છૂટી ગયો હોવાનું સ્પષ્ટ દેખાતું હોવા છતાં ચતુર્વેદીને પાછો બોલાવવામાં આવ્યો નહોતો. જેના કારણે ઇન્ટરનેટ ઉપર પણ અમ્પાયરની ખૂબ મશ્કરી કરવામાં આવી હતી