હરમનપ્રીતે હાથ પર ટ્રોફીનું ટૅટૂ બનાવડાવ્યા પછી ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરીમાં લખ્યું, ` હવે હું રોજ સવારે તને જોઈશ’

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે નવી મુંબઈમાં વિમેન્સ વન-ડે ક્રિકેટની નવી વર્લ્ડ ચૅમ્પિયન બનીને ભારત માટે નવો ઇતિહાસ રચ્યો એ બદલ હરમનપ્રીત કૌર અને તેની ટીમ કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલમાં તો વસી જ ગઈ છે, ખુદ હરમનપ્રીત આ બહુમૂલ્ય ટ્રોફી (trophy)ની બાબતમાં એટલી બધી ભાવુક થઈ ગઈ છે કે તેણે આ ટ્રોફીનું ટૅટૂ (Tattoo) હાથનાં બાવડાં પર ચિતરાવ્યું છે. આ ટૅટૂ બનાવડાવીને તેણે ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરીમાં લખ્યું, ` હવે હું રોજ સવારે તને જોઈશ.’
સ્વાભાવિક છે કે હરમનપ્રીત (Harmanpreet) કૅપ્ટન તરીકે આ ટ્રોફીને તેની તેમ જ સમગ્ર ભારતીય ટીમની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ તરીકે ગણાવે છે. પંજાબના મોગા શહેરની હરમનપ્રીતે આ ટૅટૂ બનાવડાવીને એનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. આ ટૅટૂ તેને હંમેશાં આ ઐતિહાસિક ઉપલબ્ધિની યાદ અપાવતી રહેશે.
હરમનપ્રીતે આ ટ્રોફીના ફોટો સાથે કૅપ્શનમાં લખ્યું છે, ` (કરીઅરના) પહેલા દિવસથી હું તારી રાહ જોઈ રહી હતી. હવે હું દરરોજ સવારે તને જોઈશ અને આભાર તથા આનંદ વ્યક્ત કરીશ.’
રવિવારે ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકાને બાવન રનથી પરાસ્ત કર્યું અને ઐતિહાસિક વર્લ્ડ ચૅમ્પિયનપદ મેળવી લીધું ત્યાર બાદ સોમવારે હરમનપ્રીતે વધુ વિચાર કર્યા વગર હાથ પર ટ્રોફીનું ટૅટૂ બનાવડાવવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. તે એક જાણીતા હાઇ-પ્રોફાઇલ ટૅટૂ આર્ટિસ્ટ પાસે પહોંચી ગઈ હતી અને બનાવડાવ્યું હતું. ત્યાર બાદ મંગળવારે તેની આગેવાનીમાં ભારતીય ટીમ મુંબઈથી રવાના થઈને દિલ્હી પહોંચી ગઈ હતી.



