સ્પેશિયલ ફિચર્સસ્પોર્ટસ

યશ દયાલ માટે પાંચ સિક્સરવાળા અંધકાર પછી હવે સોનાનો સૂરજ ઊગ્યો

સ્પોર્ટ્સમેન – યશ ચોટાઈ

‘રિન્કુ સિંહ, રિન્કુ સિંહ, ફાઇવ સિક્સીસ, ફાઇવ સિક્સીસ…’

આ વાંચીને તમને યાદ આવી જ ગયું હશે કે રિન્કુ સિંહ અને પાંચ સિક્સરવાળી ઘટના ૨૦૨૩ની આઇપીએલમાં બની હતી.

હા, સાવ સાચી વાત છે. ત્યારે રિન્કુ સિંહે ફાસ્ટ બોલર યશ દયાલના છેલ્લા પાંચ બૉલમાં જે પાંચ સિક્સર ફટકારી હતી એની વાત આજે આપણે કરીશું.

યશ દયાલને એ કડવા અનુભવ બાદ હવે દોઢ વર્ષે અભૂતપૂર્વ અનુભવ થયો છે. તેને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. કોલકાતા નાઇટ રાઇડર્સે ત્યારે અમદાવાદની મૅચમાં ૨૦૫ રનનો તોતિંગ લક્ષ્યાંક મેળવવા આખરી છ બૉલમાં ૨૯ રન બનાવવાના હતા જે મોટા ભાગે અસંભવ જણાતું હતું. જોકે ગુજરાત ટાઇટન્સના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર યશ દયાલના પ્રથમ બૉલમાં ઉમેશ યાદવે એક રન દોડીને રિન્કુ સિંહને સ્ટ્રાઇક આપી એટલે આઇપીએલના ઇતિહાસમાં નવું પ્રકરણ લખાવાનું શરૂ થયું હતું. રિન્કુએ યશ દયાલના છેલ્લા પાંચેય બૉલમાં છગ્ગા ફટકારીને કોલકાતાને અત્યંત રોમાંચક વિજય અપાવ્યો હતો.

યશ દયાલે ત્યાર પછી ક્રિકેટપ્રેમીઓમાં સીધી યા આડકતરી રીતે ઘણું અપમાન અને માનહાનિ સહન કરવા પડ્યા હતા. એની વાત યશ દયાલના પિતા ચંદરપાલ દયાલે પીટીઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં કરી છે. તેમણે કહ્યું છે કે ‘અમે અલાહાબાદમાં કરબલા મસ્જિદ નજીક રહીએ છીએ. એપ્રિલ, ૨૦૨૩માં મેં થોડા દિવસ મેં મારા ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. કારણ એ હતું કે દરરોજ જ્યારે પણ સ્કૂલ બસ અમારા ઘરની બહારથી પસાર થતી ત્યારે બાળકો બારીમાંથી રિન્કુ સિંહ, રિન્કુ સિંહ, ફાઇવ સિક્સીસ, ફાઇવ સિક્સીસ… એવી બૂમો સતત પાડતાં હતાં. મને થતું કે શા માટે મારા પુત્ર સાથે આવું બન્યું? મારી પત્ની થોડા દિવસ જમી ન નહોતી. હમારે લિયે વો એક હાદસા થા.’

જોકે યશ દયાલ માટે હવે સોનાનો સૂરજ ઊગ્યો છે. ૧૯મી સપ્ટેમ્બરે ચેન્નઈમાં બાંગ્લાદેશ સામે ભારતની પ્રથમ ટેસ્ટ શરૂ થઈ રહી છે અને એ માટેની ટીમમાં યશ દયાલનો સમાવેશ કરાયો છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપની હાજરીમાં યશ દયાલને બાંગ્લાદેશ સામે રમવા મળશે કે કેમ એ તો નક્કી નથી, પરંતુ ટીમ ઇન્ડિયાની સ્ક્વૉડમાં સિલેક્ટ થવું એ કોઈ પણ ખેલાડી માટે મોટી સિદ્ધિ જ કહેવાય.

ઝહીર ખાને નિવૃત્તિ લીધી ત્યાર પછી ભારતીય ટીમને નિયમિત ધોરણે લગભગ દરેક ટેસ્ટ-શ્રેણીમાં રમી શકે એવો કાબેલ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર નથી મળ્યો. છ ફૂટ ઊંચા યશ દયાલે નાનપણથી ઝહીર ખાનની કરીઅર ફૉલો કરી છે અને હવે તેનું સ્થાન લેવાનો તેને સુવર્ણ મોકો મળ્યો છે.

કલાકે ૧૩૦થી ૧૩૫ કિલોમીટરની ઝડપે બૉલ ફેંકતા યશને માત્ર ડોમેસ્ટિક ક્રિકેટમાંના પર્ફોર્મન્સને આધારે જ નહીં, કેટલીક ખાસિયતોને લીધે પણ ટીમ ઇન્ડિયા માટેનો સિલેક્ટરનો કૉલ આવ્યો છે. શાર્પ બાઉન્સર, યૉર્કર, પરફેક્ટ લાઇન ઍન્ડ લેન્ગ્થ તેમ જ સ્વિંગ તેની સ્પેશિયાલિટીઝ છે. ૨૦૨૨માં ભારતીય ટીમ મૅનેજમેન્ટે યશને વેસ્ટ ઇન્ડિઝ સામેની મર્યાદિત ઓવર્સની સિરીઝ વખતે નેટ બોલર તરીકે બોલાવ્યો હતો અને તેની મદદ લીધી હતી. ત્યારથી તે ટીમના સિનિયર ખેલાડીઓના ધ્યાનમાં હતો જ, ઉત્તર પ્રદેશના હેડ-કોચ અને ભારતના ભૂતપૂર્વ સ્પિનર સુનીલ જોશી સતત અસરદાર બોલિંગ કરવાની તેમ જ કોઈ પણ પ્રકારની પિચ પર બૅટરને મુશ્કેલીમાં મૂકવાની ક્ષમતા ધરાવનાર યશની કાબેલિયતથી પ્રભાવિત થઈ ચૂક્યા છે. જોશી ત્રણ વર્ષ પહેલાં ભારતીય ટીમના સિલેક્ટર હતા અને ત્યારે પણ તેમણે યશની બોલિંગમાં આવેલો સુધારો જોયો હતો.

બંગાળના ઓપનર અભિમન્યુ ઈશ્ર્વરને પણ યશ દયાલના બે મોઢે વખાણ કર્યા છે. અજિત આગરકર અને તેમની સિલેક્શન કમિટીને યશ દયાલમાં ઘણું કૌશલ્ય જોવા મળ્યું છે. છેલ્લા થોડા વર્ષોમાં યશે ફિટનેસ પણ જાળવી છે જેને લીધે તે આ વર્ષની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ વતી રણજી ટ્રોફીમાં રમવા ઉપરાંત ઇંગ્લૅન્ડ ‘એ’ સામેની સિરીઝમાં ઇન્ડિયા ‘એ’ વતી રમી શક્યો હતો.

સિલેક્ટર્સે પહેલાં લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર્સ અર્શદીપ સિંહ અથવા ખલીલ અહમદ પર કળશ ઢોળવાનો વિચાર કર્યો હતો, પરંતુ તેમને યશ દયાલમાં વધુ કૌશલ્ય દેખાયું અને તેને ૧૬ ખેલાડીની ટીમમાં સમાવી લીધો હતો.

૨૦૨૩માં ગુજરાત ટાઇટન્સ તરફથી આઇપીએલની એક સીઝન માટે ૩.૨૦ કરોડ રૂપિયાનો તોતિંગ કૉન્ટ્રૅક્ટ મેળવનાર યશ દયાલને ૨૦૨૪ની આઇપીએલમાં બૅન્ગલૂરુના ફ્રૅન્ચાઇઝીએ પાંચ કરોડ રૂપિયામાં મેળવ્યો હતો અને એના વતી તેણે એક મૅચમાં ચેન્નઈના ડેરિલ મિચલને અને પછી એમએસ ધોનીને આઉટ કરીને બેન્ગલૂરુને પ્લે-ઑફમાં સ્થાન અપાવ્યું હતું.

ભારત વતી માત્ર ૧૪ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર રમી ચૂક્યા છે જેમાં ઝહીર ખાન પછી ટીમ ઇન્ડિયાને ટેસ્ટ-ક્રિકેટમાં ફક્ત ટી. નટરાજન અને જયદેવ ઉનડકટ મળ્યા છે, પરંતુ ટીમમાં તેઓ સ્થાન જાળવી નથી શક્યા. યશ દયાલને બહુ સારી તક મળી છે. જો યશ સફળ થશે તો એનો શ્રેય આગરકર અને તેમની ટીમને તેમ જ સુનીલ જોશી અને યશના ભૂતપૂર્વ કોચને જરૂર મળશે.

Also Read –

Show More

Related Articles

Back to top button
યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ…