રાશિદના વર્તનથી નૉકિયા ભડક્યો, ક્રોધ ઠાલવ્યો અને પછી તેનું સ્ટમ્પ ઉખાડ્યું!
ટારૌબા (ટ્રિનિદાદ): ટી-20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચેની સેમિ ફાઇનલ એક તો લો-સ્કોરિંગ બની ગઈ અને એમાં પણ થોડી ગરમાગરમી પણ જોવા મળી. અફઘાનિસ્તાનના કૅપ્ટન-ઑલરાઉન્ડર રાશિદ ખાનની ઇનિંગ્સ અત્યંત ટૂંકી હતી અને એમાં તેણે હરીફ ટીમના આક્રમક ફાસ્ટ બોલર ઍન્રિક નૉકિયાનો સામનો કર્યો એમાં તેનો (રાશિદનો) એકાગ્રતાભંગ થયો હતો અને થોડી વારમાં જ રાશિદે વિકેટ ગુમાવી દીધી હતી.
ખરું કહીએ તો ગુરુવારનો દિવસ રાશિદનો હતો જ નહીં. અફઘાનિસ્તાનની લડાયક ટીમે બૅટિંગ લીધા પછી સાઉથ આફ્રિકાના બોલર્સે એને માત્ર 56 રનમાં તંબૂ ભેગી કરી હતી. રાશિદે ધાર્યું હશે કે તેના ઓપનર્સ જીતી શકાય એ રીતે મોટી ભાગીદારીથી સારો પાયો નાખી આપશે. જોકે રાશિદનો બૅટિંગનો નિર્ણય અકલ્પ્નીય રીતે ઊલટો સાબિત થયો હતો. ફાસ્ટ બોલર માર્કો યેનસેને ઓવરના છઠ્ઠા બૉલમાં મુખ્ય બૅટર રહમનુલ્લા ગુરબાઝ (0)ને સ્લિપમાં રીઝા હેન્ડ્રિક્સના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
ત્યાર પછી ત્રીજી ઓવરમાં પણ તે ત્રાટક્યો હતો અને ગુલબદીન નઇબ (9)ને ક્લીન બોલ્ડ કર્યો હતો. સાઉથ આફ્રિકન બોલર્સે અફઘાન ટીમને રિધમ મેળવવા નહોતી દીધી. ચોથી ઓવર કૅગિસો રબાડાએ કરી હતી જેમાં તેણે ચાર બૉલમાં ઇબ્રાહિમ ઝડ્રાન (2) અને મોહમ્મદ નબી (0)ને ક્લીન બોલ્ડ કરીને પૅવિલિયન ભેગા કર્યો હતો. માર્કરમ પાસે અસરદાર બોલર્સ ઓછા નહોતા.
યેનસેને ત્રીજી વિકેટના રૂપમાં નાન્ગેલિયા ખારોટે (2)ને વિકેટકીપર ડિકૉકના હાથમાં કૅચઆઉટ કરાવ્યો ત્યાર બાદ ટીમનો ટૉપ-સ્કોરર અઝમતુલ્લા ઓમરઝાઇ (10)ને નૉકિયાએ ટ્રિસ્ટેન સ્ટબ્સના હાથમાં કૅચઆઉટ કરાવ્યો અને ત્યાર બાદ સ્પિનર તબ્રેઝ શમ્ઝીએ ત્રણ બૉલમાં કરીમ જનત અને નૂર અહમદને એલબીડબ્લ્યૂ કર્યો હતો.
50 રનમાં આઠ વિકેટ પડી ચૂકી હતી એટલે રાશિદ ખાન ખૂબ ટેન્શનમાં તો હતો જ, સાઉથ આફ્રિકાને પડકારરૂપ લક્ષ્યાંક આપવાની પેરવીમાં પણ હતો. જોકે એ માનસિક દબાણ હેઠળ થોડી વાર પહેલાં નૉકિયા સાથેની ખટપટને કારણે રાશિદની એકાગ્રતા તૂટી ચૂકી હતી. બન્યું એવું કે નૉકિયાએ ઓમરઝાઇને આઉટ કર્યો ત્યાર બાદ રાશિદ બૅટિંગમાં આવ્યો હતો.
નૉકિયાનો પહેલો બૉલ ડૉટ હતો અને ત્યાર પછી વાઇડ પડ્યો હતો. એ પછી નૉકિયાની બૅક ઑફ ધ લેન્ગ્થ ડિલિવરીમાં રાશિદ આઉટ થતા બચ્યો હતો. તેના બૉલમાં બચ્યા બાદ રાશિદ અજાણતાં સ્ટમ્પ્સને રોકી રહ્યો હોય એ રીતે ક્રીઝની બહાર આગળ તરફ આવ્યો હતો અને બોલર નૉકિયા તેને કંઈક બોલ્યો અને પાછો રન-અપ પર જઈને કૅપ્ટન માર્કરમ સાથે વાત કરતો આગળ વધ્યો હતો.
નૉકિયાએ એ ઘટનામાં રાશિદને એવું કહ્યું કે ‘ભાઈ, તું ક્રીઝમાં તરત પાછા જવાનું રાખ, કારણકે તું ઑબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડનો અફેન્સ કરી રહ્યો છે. બીજી રીતે કહું તો તું ક્રીઝમાંથી બહાર આવ્યા બાદ જાણી જોઈને સ્ટમ્પ્સને આડો આવી રહ્યો છે અને ફીલ્ડર માટે અડચણ ઊભી કરી રહ્યો છે.’
નૉકિયાના છેલ્લા બૉલને રાશિદે ડિફેન્ડ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેના થાઇ પૅડને બૉલ વાગ્યો અને ત્યાર બાદ નૉકિયાએ ફરી તેને કંઈક કહ્યું. ત્યાર પછીની ઓવરમાં નૉકિયાનો એક બૉલ નીચો રહી ગયો જેમાં રાશિદ બૅટને બૉલ સાથે કનેક્ટ કરવામાં નિષ્ફળ રહ્યો અને ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. રાશિદે આઠ બૉલમાં આઠ રન બનાવ્યા હતા. રાશિદ સાથેના ઘર્ષણમાં છેવટે નૉકિયાની જીત થઈ. સાઉથ આફ્રિકાએ 8.5 ઓવરમાં એક જ વિકેટના ભોગે 60 રન બનાવીને વિજય મેળવી ફાઇનલમાં ઐતિહાસિક પ્રવેશ કર્યો હતો.