સ્પોર્ટસ

અફઘાનિસ્તાનની મહિલા ક્રિકેટરો દેશમાંથી ભાગી ગયા બાદ પહેલી જ વાર મૅચ રમી!

મેલબર્નઃ અફઘાનિસ્તાનમાં 2021ની સાલમાં તાલીબાનનું સરમુખત્યારશાહી શાસન આવ્યું એ અરસામાં દેશમાંથી નાસી ગયેલી સેંકડો મહિલા ઍથ્લીટોમાંથી ઘણી ક્રિકેટર પણ છે અને તેમણે જે ક્રિકેટ ટીમ બનાવી હતી એ ટીમ પહેલી જ વાર મૅચ રમી છે. મેલબર્નમાં આ ચૅરિટી મૅચ હતી અને એ રમીને આ મહિલા ક્રિકેટરોએ અફઘાનિસ્તાનની બહાર રહીને પણ દેશ માટે ખેલકૂદમાં નવો અધ્યાય શરૂ કર્યો છે.
નાહિદા સપન અફઘાનિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમની કૅપ્ટન છે અને તેના મતે આ મૅચ અફઘાનિસ્તાનમાં સ્ત્રી-વિરોધી અભિગમમાં ફેરફાર લાવવામાં ભવિષ્યમાં પ્રેરક બનશે.

તાલીબાનના શાસન પહેલાં અફઘાનિસ્તાનની અસંખ્ય મહિલા ક્રિકેટરો દેશ છોડીને ઑસ્ટ્રેલિયામાં સ્થાયી થઈ હતી. આજે તેઓ ટીમ તરીકે પહેલી વાર સત્તાવાર મૅચ માટે ભેગી થઈ હતી અને ખૂબ ઉત્સાહપૂર્વક આ ચૅરિટી મૅચ રમી હતી. એ મૅચ ક્રિકેટ વિધાઉટ બોર્ડર્સ' બૅનર હેઠળ રમાઈ હતી. તેઓ મેલબર્નના જંકશન ઓવલ નામના જે મેદાન પર મૅચ રમી એ ગ્રાઉન્ડ પર એક સમયે શેન વૉર્ને ઘણી મૅચો રમીને પોતાની કરીઅર ડેવલપ કરી હતી. નાહિદાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું,અમે માત્ર એક ટીમ નથી બનાવી, અમે ખેલકૂદમાં એક એવી ચળવળ શરૂ કરી છે જે સમય જતાં શાસકોને અફઘાનિસ્તાનમાં સ્ત્રી-વિરોધી અભિગમ છોડીને શિક્ષણ તથા રમતગમતમાં સ્ત્રીઓને હિસ્સો લેવા દેવાની છૂટ આપવા મજબૂર કરશે.

Also read:મહિલા ક્રિકેટર્સમાં રવિવારે ફરી ભારત-પાકિસ્તાનની ટક્કર થઈ શકે

નવેમ્બર, 2020માં અફઘાનિસ્તાનમાં તાલીબાનનું શાસન નહોતું આવ્યું અને એ સમયે અફઘાન ક્રિકેટ બોર્ડે પચીસ આશાસ્પદ મહિલા ક્રિકેટરોને પ્રૉફેશનલ કૉન્ટ્રૅક્ટ આપ્યા હતા. જોકે તેઓ એક જૂથ બનાવીને પ્રૅક્ટિસ તેમ જ સત્તાવાર મૅચો રમવાનું શરૂ કરે એ પહેલાં તાલીબાને અફઘાનિસ્તાનના શાસન પરનો કબજો ઝૂંટવી લીધો હતો અને મહિલા ક્રિકેટ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. એ પચીસ મહિલા ક્રિકેટરોમાંથી બાવીસ પ્લેયર ઑસ્ટ્રેલિયામાં સ્થાયી થઈ ગઈ છે. આ પ્લેયરોએ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ને અપીલ કરી છે કે (ઑલિમ્પિક્સની માફક) તમારી ઇવેન્ટ્સમાં અમારી `રેફ્યૂજી ટીમ’ને રમવાની પરવાનગી આપો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button