T20 World Cup 2024સ્પોર્ટસ

Australia vs Afghanistan Highlights: અફઘાનિસ્તાનનો ઑસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક વિજય

ભારત ઉપરાંત રાશિદ ખાનની ટીમ સેમિ ફાઇનલમાં જઈ શકે

કિંગ્સટાઉન: અફઘાનિસ્તાન (20 ઓવરમાં 148/6)એ અહીં ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં ઑસ્ટ્રેલિયા (19.2 ઓવરમાં 127/10) સામે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પૅટ કમિન્સ (4-0-28-3)ની ઐતિહાસિક સતત બીજી મૅચની હૅટ-ટ્રિકનો પર્ફોર્મન્સ પાણીમાં ગયો હતો.

હવે સોમવારે ભારત જો ઑસ્ટ્રેલિયાને હરાવે અને મંગળવારે અફઘાનિસ્તાન જો બંગલાદેશને હરાવે તો ભારતની સાથે અફઘાનિસ્તાન સેમિ ફાઇનલમાં જઈ શકે. બીજું, ઑસ્ટ્રેલિયા જો સોમવારે ભારતને એક રનથી પણ હરાવે, પરંતુ મંગળવારે અફઘાનિસ્તાન જો બંગલાદેશને 36-પ્લસ રનના માર્જિનથી પરાજિત કરે તો ચડિયાતા નેટ રનરેટને આધારે ઑસ્ટ્રેલિયાને બદલે અફઘાનિસ્તાન સેમિ ફાઇનલમાં જઈ શકે.

જો અફઘાનિસ્તાન આ મૅચ હારી ગયું હોત તો ઑસ્ટ્રેલિયા અને ભારતે આજે જ સત્તાવાર રીતે સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી હોત. રાશિદ ખાનના નેતૃત્વમાં અફઘાનિસ્તાનની ટીમે મિચલ માર્શની ટીમને રોમાંચક મુકાબલામાં 21 રનથી હરાવી હતી. અફઘાનિસ્તાનના આઠ બોલરના આક્રમણ સામે ઑસ્ટ્રેલિયાએ નમવું પડ્યું હતું. 33 વર્ષનો પેસ બોલર ગુલબદીન નઇબ (4-0-20-4) આ મેચનો સુપરસ્ટાર હતો અને તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.

| Also Read: T20 World Cup: ભારત વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ઑલમોસ્ટ પહોંચી ગયું

ઑસ્ટ્રેલિયાએ 149 રનના લક્ષ્યાંક સામે પહેલી છ ઓવરની અંદર 32 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ટ્રેવિસ હેડ, કેપ્ટન મિચલ માર્શ અને ડેવિડ વોર્નરની વિકેટ વહેલી ગુમાવ્યા બાદ ગ્લેન મૅક્સવેલ (59 રન, 49 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) અને માર્કસ સ્ટોઈનિસ (11 રન, 17 ફોર, એક ફોર)ની જોડીએ ટીમની સ્થિતિ થોડી સન્માનજનક સ્થિતિમાં લાવી દીધી હતી. જોકે 149 રનનો ટાર્ગેટ મેળવવા જતાં 71મા રને ઑસ્ટ્રેલિયાએ સ્ટોઈનિસની ચોથી વિકેટ ગુમાવ્યા બાદ એકલવીર મૅક્સવેલને બીજા કોઈનો સાથ નહોતો મળ્યો. 106 રનના સ્કોરે નઇબે મૅક્સવેલની પ્રાઈઝ વિકેટ લેતાં જ ઑસ્ટ્રેલિયાની હાર નિશ્ચિત થઈ ગઈ હતી. મૅક્સવેલના ગયા બાદ બીજી ચાર વિકેટ 21 રનમાં પડી ગઈ હતી.

આઇપીએલમાં લખનઊ વતી રમેલા નવીન-ઉલ-હકે ત્રણ વિકેટ લીધી હતી. એ પહેલાં, અફઘાનિસ્તાને બૅટિંગ મળ્યા પછી ધમાકેદાર આરંભ કર્યો હતો. વિકેટકીપર ગુરબાઝ (60 રન, 49 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) અને ઝડ્રાન (51 રન, 48 બૉલ, 6 ફોર) વચ્ચે 118 રનની વિક્રમી ઓપનિંગ પાર્ટનરશીપ થઈ હતી. જોકે ઉપરાઉપરી બે ઓવરમાં ગુરબાઝ અને ઝડ્રાનની વિકેટ પડતાં અફઘાનિસ્તાનનું રનમશીન એકદમ ધીમું પડી ગયું હતું. ગુરબાઝની વિકેટ સ્ટોઈનિસે અને ઝડ્રાનની વિકેટ એડમ ઝેમ્પાએ લીધી હતી.


હવે પછીના સુપર-એઇટ મુકાબલા

રવિવાર, 23 જૂન:
અમેરિકા-ઇંગ્લૅન્ડ (રાત્રે 8.00)

સોમવાર, 24 જૂન: વેસ્ટ ઇન્ડિઝ-સાઉથ આફ્રિકા (સવારે 6.00) અને ભારત-ઑસ્ટ્રેલિયા (રાત્રે 8.00)

મંગળવાર, 25 જૂન: અફઘાનિસ્તાન-બંગલાદેશ (સવારે 6.00)
(ગુરુવાર, 27 જૂને સેમિ ફાઇનલ રાઉન્ડ શરૂ થશે. ફાઇનલ શનિવાર, 29 જૂને રમાવાની છે.)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button