ક્રિકેટમાં પાકિસ્તાન પર મૂકી દો પ્રતિબંધ

હવાઈ હુમલામાં ત્રણ સ્થાનિક ક્રિકેટરો મૃત્યુ પામવાને પગલે અફઘાનિસ્તાનના ક્રિકેટપ્રેમીઓ સહિત અનેકની જોરદાર માગણી
કાબુલઃ અફઘાનિસ્તાનમાં ક્રિકેટની ફ્રેન્ડ્લી મૅચ રમીને પાછા આવી રહેલા ત્રણ સ્થાનિક યુવાન ખેલાડીઓ (cricketers) સહિત કુલ આઠ જણની હવાઈ હુમલામાં પાકિસ્તાને હત્યા કરી એને પગલે ક્રિકેટ જગતમાં જોરદાર માગણી ઉઠી છે કે ક્રિકેટમાં પાકિસ્તાન (Pakistan) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. સોશ્યલ મીડિયામાં ક્રિકેટપ્રેમીઓએ પાકિસ્તાન પર તાબડતોબ બૅન મૂકી દેવાની ડિમાન્ડ ક્રિકેટ રમતા મોટા દેશો તેમ જ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સમક્ષ કરી છે.
અફઘાનિસ્તાન (Afghanistan) હટી ગયું ટ્રાય સિરીઝમાંથી
ક્રિકેટરોને લક્ષ્યાંક બનાવવાના કાયરતાભર્યા કૃત્ય બદલ પાકિસ્તાનની વિશ્વભરમાં ટીકા થઈ રહી છે. અફઘાનિસ્તાનના પીઢ સ્પિનર અને કૅપ્ટન રાશિદ ખાને આ બર્બરતા બદલ પાકિસ્તાનની આકરી ટીકા કરી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનમાં રમાનારી આગામી ત્રિકોણીય ટી-20 સિરીઝમાંથી પોતાની ટીમનું નામ રદ કરાવી નાખ્યું છે. આ ટ્રાયેન્યૂલર 17મી નવેમ્બરથી પાકિસ્તાનના રાવલપિંડી તથા લાહોરમાં રમાવાની હતી અને એમાં શ્રીલંકાની ટીમ પણ ભાગ લેવાની હતી.
આ પણ વાંચો: પાકિસ્તાનના બોમ્બમારામાં અફઘાનિસ્તાનના 3 ક્રિકેટરોનાં મોત પર રાશિદે ઠાલવ્યો આક્રોશ
ભારતે પોતાની ટીમને પાકિસ્તાની ક્રિકેટરો સામે રમવા ન મોકલવી જોઈએ એવી થોડા મહિનાઓથી ભારતમાં માગણી થઈ છે, પરંતુ હકીકત એ છે કે આઇસીસીના અને (ક્રિકેટની રમત હવે ઑલિમ્પિક ગેમ્સનો પણ હિસ્સો બની ગઈ હોવાથી) ઑલિમ્પિક્સના નિયમો મુજબ ક્રિકેટના પ્રત્યેક મેમ્બર-રાષ્ટ્રએ બહુરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ક્વૉલિફાય થતા દરેક દેશ સામે (પછી ભલે એ દુશ્મન દેશ હોય તો પણ એની સામે) રમવું જ પડે. ભારત 2009ની સાલથી પાકિસ્તાન સાથે દ્વિપક્ષી શ્રેણી નથી રમતું, પરંતુ વર્લ્ડ કપ અને એશિયા કપ જેવી મલ્ટિનૅશનલ ઇવેન્ટ્સમાં ભારતે પાકિસ્તાન સામે રમવું જ પડે છે અને ભારત જો પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કરી દે તો ભારત ડિસ્ક્વૉલિફાય થઈ શકે.
કયા ત્રણ ખેલાડીના મૃત્યુ થયા
પાકિસ્તાનના હુમલામાં શહીદ થયેલા અફઘાનિસ્તાનના ત્રણ સ્થાનિક ક્રિકેટરમાં કબીર, સિબગતુલ્લા અને હારુનનો સમાવેશ હતો. તેઓ શરાના નામના શહેરમાં પ્રદર્શનીય મૅચ રમીને પાછા આવી રહ્યા હતા. તેઓ પક્તિકા પ્રાન્તના ઉર્ગુન જિલ્લામાં પાછા આવી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની સૈન્યનો શિકાર થયા હતા. આ હિચકારા હુમલામાં બીજા સાત જણ ઘાયલ પણ થયા હતા.
આ પણ વાંચો: પાકિસ્તાનના હવાઈ હુમલામાં અફઘાનિસ્તાનમાં ત્રણ ક્રિકેટરો સહિત આઠ લોકો માર્યા ગયા
ઇરફાન પઠાણે શોક વ્યક્ત કર્યો
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે સોશ્યલ મીડિયામાં અફઘાનિસ્તાનના સ્થાનિક ક્રિકેટરોના મૃત્યુ બદલ તેમને અંજલિ આપતા લખ્યું છે, ` મને આ સમાચાર જાણીને ખૂબ આઘાત લાગ્યો છે. અફઘાનિસ્તાનની પ્રજા માટે હું શોકની લાગણી વ્યક્ત કરું છું.’
મીડિયામાં ક્રિકેટપ્રેમીઓએ કયા શબ્દોમાં રોષ ઠાલવ્યો?
(1) વઝમા સાયેલ નામની મહિલા ક્રિકેટપ્રેમીએ માગણી કરી છે કે પાકિસ્તાન સાથે ખેલકૂદ સ્તરે દરેક પ્રકારના સંબંધો કાપી નાખવા જોઈએ. પાકિસ્તાનને ટૉટલ બ્લૅક આઉટ કરી દો. તેની સામેની દરેક મૅચ પર બૅન મૂકી દો. શહીદ થયેલા અફઘાનિસ્તાની ક્રિકેટરો વિશે માત્ર શોક વ્યક્ત કરવો એ પૂરતું નથી.’
(2) જયપુરના યશ નામના ક્રિકેટપ્રેમીએ મીડિયામાં લખ્યું છે, ઑલિમ્પિક્સ અને વર્લ્ડ કપ જેવી સૌથી મોટી સ્પર્ધાઓમાંથી જો રશિયા પર પ્રતિબંધ મૂકી શકાતો હોય, ઇઝરાયલના ખેલાડીઓને ફૂટબૉલ ક્લબ જો પોતાની મૅચોમાં રમવાથી અટકાવી શકતી હોય તો પાકિસ્તાન કેમ હજી ક્રિકેટ રમતું રહ્યું છે એ જ નથી સમજાતું. શું ક્રિકેટની રમતનું માનવતામાં કોઈ યોગદાન નથી?’
(3) સૌરવ ત્રિવેદી નામના ક્રિકેટપ્રેમીએ લખ્યું છે, ક્રિકેટરો હંમેશાં શાંતિ, એક્તા અને આશાના પ્રતીક ગણાય છે, પરંતુ તેમને નિશાન બનાવવા એ પાકિસ્તાનની બર્બરતા અને કાયરતા જ કહેવાય. અફઘાનિસ્તાનના સામાન્ય નાગરિકો અને સ્પોર્ટ્સમેનને ટાર્ગેટ બનાવવા એ શું પાકિસ્તાનની સંરક્ષણ નીતિ છે? એ તો કાયરતા જ છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે હવે પાકિસ્તાનની બાબતમાં ચૂપ ન બેસવું જોઈએ.’
(4) ટી. વરદ નામના ક્રિકેટચાહકે લખ્યું છે, 2009માં લાહોરના ગદાફી સ્ટેડિયમ નજીક પાકિસ્તાનના આતંકવાદીઓ શ્રીલંકન ટીમને ટાર્ગેટ બનાવીને જે ધાર્યું નહોતા કરી શક્યા એ હિચકારું કામ પાકિસ્તાનની ટેરરિસ્ટ આર્મીએ અફઘાનિસ્તાનના ક્રિકેટરો સાથે કર્યું છે. પાકિસ્તાનને આઇસીસીમાંથી કાઢી જ નાખવું જોઈએ. ક્રિકેટ જેન્ટલમૅન્સ ગેમ તરીકે ઓળખાય છે અને આ મહાન રમત પર પાકિસ્તાન બહુ મોટો બોજ બની ગયું છે.’