ઈંગ્લેન્ડ સામે અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, સતત ૧૪ મેચમાં હાર બાદ મળી જીત
નવી દિલ્હી: અફઘાનિસ્તાનની ટીમે રવિવારે (૧૫ ઓક્ટોબર) ઈંગ્લેન્ડને હરાવીને તેના વન-ડે ઈતિહાસની સૌથી મોટી જીત હાંસલ કરી હતી. આ ફોર્મેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ વર્લ્ડ કપમાં તેણે પ્રથમ વખત ‘નંબર વન’ રહેલી ટીમને હરાવી હતી. વર્લ્ડ કપમાં આ તેમની બીજી જીત છે અને તે સતત ૧૪ મેચ હાર્યા બાદ મળી હતી. અગાઉ ૨૦૧૫માં તેની એકમાત્ર જીત સ્કોટલેન્ડ સામે હતી. સ્કોટલેન્ડ પાસે ટેસ્ટ રમવાનો કોઈ રેકોર્ડ નથી.
ઈંગ્લેન્ડની વાત કરીએ તો તેને ૧૨ વર્ષમાં બીજી વખત ભારતીય ધરતી પર ઉલટફેરનો સામનો કરવો પડ્યો છે. ૨૦૧૧ વર્લ્ડ કપ દરમિયાન આયરલેન્ડે બેંગ્લોરમાં તેને હરાવીને અપસેટ સર્જ્યો હતો. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાનની ટીમ ૪૯.૫ ઓવરમાં ૨૮૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડને જીતવા માટે ૨૮૫ રનનો ટાર્ગેટ હતો, પરંતુ તેની આખી ટીમ ૪૦.૩ ઓવરમાં ૨૧૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
અફઘાનિસ્તાન માટે તેના સ્પિન બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અનુભવી રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આ સાથે જ ઓફ સ્પિનર મોહમ્મદ નબીએ બે વિકેટ પોતાના નામે કરી હતી. આ મેચમાં બંને ટીમના સ્પિનરોએ મળીને કુલ ૧૩ વિકેટ ઝડપી છે. વર્લ્ડ કપ મેચમાં સ્પિનરોનું આ બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ૨૦૦૩માં કેન્યા-શ્રીલંકા અને ૨૦૧૧માં કેનેડા-ઝિમ્બાબ્વે વચ્ચેની મેચમાં સ્પિનરોએ ૧૪-૧૪ વિકેટ ઝડપી હતી.