સાઉથ આફ્રિકાને અફઘાનિસ્તાને ચેતવણી આપતા કહ્યું, ‘તમને શારજાહ યાદ છેને?’

કરાચી: ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે બપોરે 2:30 વાગ્યાથી અહીં સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો છે અને એ મૅચ પહેલાં અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લા શાહિદીએ સાઉથ આફ્રિકાની ટીમને ચેતવતા કહ્યું છે કે ‘તાજેતરમાં અમે શારજાહની સિરીઝમાં તમને 2-1થી હરાવ્યા હતા એ તમને બધાને યાદ હશે જ.’ શાહિદીએ આવું કહ્યા બાદ એવું પણ જણાવ્યું હતું કે ‘અમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં માત્ર ભાગ લેવા નથી આવ્યા, ટાઈટલ જીતવા આવ્યા છીએ.’ શાહિદીએ પત્રકારો સાથેની વાતચીતમાં એવું પણ કહ્યું કે ‘અમારા પર કોઈપણ પ્રકારનું માનસિક દબાણ નથી. અમે અગાઉની ટૂર્નામેન્ટો કરતાં વધુ સારી તૈયારી કરીને પાકિસ્તાન આવ્યા છીએ. અમે ભલભલી ટીમને હરાવી શકીએ છીએ અને અમારો આત્મવિશ્વાસ બુલંદ છે.’
છેલ્લા બે વર્ષથી અફઘાનિસ્તાનના ખેલાડીઓનો પર્ફોર્મન્સ ખૂબ જ સુધરી ગયો છે. તેમણે 2023ના વન-ડે વર્લ્ડ કપમાં અને 2024ના ટી-20 વિશ્વ કપમાં કેટલાક આશ્ચર્યો સર્જ્યા હતા. અફઘાનિસ્તાને પાકિસ્તાન તથા ઇંગ્લૅન્ડને પરાજય ચખાડ્યો હતો તેમ જ ગયા વર્ષના ટી-20 વર્લ્ડ કપમાં સેમિ ફાઇનલમાં પ્રવેશ કરીને પોતાના દેશ માટે નવો ઇતિહાસ સર્જ્યો હતો.
આ વખતની ટૂર્નામેન્ટમાં ગ્રુપ ‘બી’માં અફઘાનિસ્તાનની સાથે ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા છે.
Also read: અફઘાનિસ્તાને અજય જાડેજા અને ટ્રૉટને ભૂલીને આ પાકિસ્તાનીને બનાવી દીધો મેન્ટર…
અફઘાનિસ્તાનની ટીમના જાણીતા ખેલાડીઓમાં રહમુનુલ્લા ગુરુબાઝ, ઈબ્રાહિમ ઝડ્રાન, રેહમત શાહ, અઝમતુલ્લા ઓમરઝાઇ, રાશિદ ખાન, નબી, નઇબ, નૂર અહમદ અને ફારુકી જેવા કાબેલ ખેલાડીઓ છે. ટેમ્બા બવુમાના સુકાનમાં સાઉથ આફ્રિકાની ટીમમાં માર્કરમ, ક્લાસેન, ઝોર્ઝી, ડૂસેન, મિલર, મુલર, યેનસેન, કેશવ મહારાજ અને રબાડા વગેરે જાણીતા ખેલાડીઓ સામેલ છે.