ઈંગ્લેન્ડ સામે જીતથી ગદગદ થયો અફઘાનિસ્તાનનો કેપ્ટન: ‘અમારો આખો દેશ ખુશ હશે’
નવી દિલ્હી: વર્લ્ડ કપ ૨૦૨૩માં રવિવારે મોટો અપસેટ સર્જાયો હતો. અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને ૬૯ રનથી હરાવ્યું હતુ. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને ૨૮૪ રન કર્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર ૨૧૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ઐતિહાસિક જીત બાદ અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ખુશી વ્યક્ત કરી હતી. તેણે આ જીતને વન-ડે ક્રિકેટમાં અફઘાનિસ્તાન ટીમની સર્વશ્રેષ્ઠ જીત ગણાવી હતી.
શાહિદીએ કહ્યું હતું કે ‘હું ખૂબ જ ખુશ છું. મારા સાથી ખેલાડીઓ પણ ખૂબ ખુશ છે. આ શ્રેષ્ઠ જીત હતી. આ જીતે અમને આગામી મેચ માટે આત્મવિશ્વાસથી ભરી દીધા છે. આજે અમારો આખો દેશ ખુશ હશે. આનો ઘણો શ્રેય આપણા ઓપનિંગ બેટ્સમેનોને જાય છે. આ મેચમાં અમને સારી શરૂઆત મળી અને આનો શ્રેય ગુરબાઝને
જાય છે. દરમિયાન શાહિદીએ કહ્યું હતું કે ‘ઈકરામ છેલ્લાં બે વર્ષથી અમારી સાથે છે પરંતુ તેને વધારે તક મળી નથી.
મેં અને કોચે તેનામાં વિશ્ર્વાસ દર્શાવ્યો અને તે સારું રમ્યો, ટીમના સ્પિનરો અંગે તેણે કહ્યું, ‘અમારે તેમના માટે કેટલાક રન બનાવવા પડશે. આખી દુનિયા જાણે છે કે તેઓ કેટલા સારા બોલરો છે. અમને અમારા સ્પિનરો પર ગર્વ છે.’